March 10, 2025

શું મહાકુંભ દરમિયાન સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય હતું? મોદી સરકારે લોકસભામાં રિપોર્ટ કર્યો રજૂ

Sangam Water Pollution Controversy: પર્યાવરણ મંત્રાલયે લોકસભામાં સ્પષ્ટતા કરી હતી કે કુંભ 2025 દરમિયાન સંગમમાં ગંગાનું પાણી સ્નાન માટે યોગ્ય હતું. 28 ફેબ્રુઆરી, 2025ના રોજ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)માં એક લાંબો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ અહેવાલ મુજબ, સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય જણાયું હતું. સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદોરિયાએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો, “શું સીપીસીબીએ એનજીટીને કહ્યું હતું કે કુંભ દરમિયાન ગંગાનું પાણી સ્નાન માટે યોગ્ય નથી? શું ગંગાના પાણીમાં મળ અને પેશાબનું પ્રમાણ વધુ હતું?”

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો નવો રિપોર્ટ
તેના જવાબમાં પર્યાવરણ મંત્રાલયે કહ્યું કે 3 ફેબ્રુઆરી, 2025ના રોજ સીપીસીબીએ એનજીટીને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં 12 થી 26 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવેલા પરીક્ષણોના આધારે જણાવવામાં આવ્યું હતું કે સંગમનું પાણી નહાવા માટે યોગ્ય નથી. NGTના નિર્દેશોનું પાલન કરીને, એક વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં દિવસમાં બે વાર પાણીની ગુણવત્તા તપાસવામાં આવી હતી. 28 ફેબ્રુઆરી, 2025ના રોજ સબમિટ કરાયેલા અંતિમ અહેવાલમાં સંગમનું પાણી નહાવા માટે યોગ્ય જણાયું હતું.

ગુણવત્તા જાળવવા માટે સરકારની પહેલ
લોકસભામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે કુંભ દરમિયાન પાણીની ગુણવત્તા જાળવી રાખવા માટે અનેક પગલાં લીધાં છે. નદીઓમાં ગંદા પાણીનો સીધો નિકાલ અટકાવવામાં આવ્યો હતો. કુંભ વિસ્તારને સ્વચ્છ રાખવા માટે ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

CPCB અને UPPCB ના અહેવાલોમાં તફાવત
3 ફેબ્રુઆરી 2025 ના સીપીસીબી અહેવાલ – સંગમ પાણીને નહાવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યું. 18મી ફેબ્રુઆરી 2025 ના યુપીપીસીબી અહેવાલ – સીપીસીબી અહેવાલને નકારી કાઢવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે 6 સ્થળોએ પાણી નહાવા માટે યોગ્ય છે. જે બાદ NGTએ UPPCB રિપોર્ટ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને CPCB રિપોર્ટ ખોટો હોય તો યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. નોંધનીય છે કે, કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓના રિપોર્ટમાં તફાવત હોવા છતાં સરકારનું સત્તાવાર નિવેદન છે કે સંગમનું પાણી કુંભ 2025 દરમિયાન સ્નાન માટે યોગ્ય હતું.