કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે AAPના ગોપાલ ઇટાલિયાએ કહ્યુ – અમારી વચ્ચે સમજૂતી થઈ હતી

અમદાવાદઃ વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી હતી. આ મામલે કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે પ્રશ્ન પૂછતા ગોપાલ ઇટાલિયાએ કહ્યુ હતુ કે, અમારી વચ્ચે પહેલાં સમજૂતી થઈ હતી.

વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ સાથેના ગઠબંધન પર જવાબ આપતા જણાવ્યુ હતુ કે, વાવ વિધાનસભાની પેટાચૂંટણી આવી એ સમયે કોંગ્રેસ સાથે સમજૂતી થઈ હતી. વાવ બેઠક પર કોંગ્રેસ અને વિસાવદર બેઠક પર AAP ચૂંટણી લડશે. એ વખતની સમજૂતી પ્રમાણે અમે અમારી જવાબદારી સમજી ઉમેદવાર જાહેર કર્યા છે. આશા રાખીએ છીએ કે, વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિસાવદર બેઠક પરથી ઉમેદવાર જાહેર થયા બાદ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું કે, ગઈકાલે AAPના સંયોજકના દિલ્હી નિવાસસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં મને વિસાવદર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓનો આભાર માનું છું. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સીટ પરથી મને ટિકિટ મળી છે. સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતના દીકરાને AAPએ જવાબદારી સોંપી છે.’