December 22, 2024

હાર્દિક પટેલની લવસ્ટોરી; માતાને કહ્યું – જેલમાં છું હવે કોણ લગ્ન કરશે

viramgam mla hardik patel kinjal patel love story he said to mother who will marry me

હાર્દિક પટેલના લગ્નની તસવીર - ફાઇલ

અમદાવાદઃ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને તેમના પત્ની કિંજલ પટેલનો એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ ન્યૂઝ કેપિટલે કર્યો હતો. જેમાં હાર્દિક અને કિંજલ સજોડે ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં પહોંચ્યા હતા અને તેમની રાજકીય સફરથી લઈને સામાજિક જીવન અને પ્રેમસંબંધની ખુલ્લા મને ચર્ચા કરી હતી. આ દરમિયાન હાર્દિકે જેલવાસથી લઈને વિરમગામના ધારાસભ્ય બનવા સુધીના સફરની વાત કરી હતી. આ સાથે જ પત્ની કિંજલે પણ હાર્દિક પટેલ અંગે અનેક ખુલાસાઓ કર્યા હતા.

હાર્દિક પટેલ તેમની લવસ્ટોરી જણાવતા કહે છે કે, ‘મારી બહેન અને કિંજલ બંને મિત્રો હતા. છઠ્ઠા-સાતમા ધોરણથી સાથે ભણતા હતા. ત્યારે બંનેને દરરોજ હું હોસ્ટેલમાં લેવા-મૂકવા માટે જતો હતો. તે સમયે મનમાં પણ કંઈ એવું નહોતું કે કિંજલ સાથે પ્રેમ થશે, અફેર થશે અને વાત લગ્ન સુધી પહોંચી જશે. પરંતુ સતત લેવા-મૂકવા જતા રહેવાનું… કિંજલના પરિવારના સંપર્કમાં રહેવાનું થયું. ત્યારબાદ એમના માતા-પિતા પણ અમારા પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા છે. એટલે કંઈ નવું નહોતું. શાંતિપૂર્ણ રીતે ઘરે વાત કરી કે, અમે મિત્રો છીએ અને એકબીજા સાથે જોડાયેલા છીએ.

ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં હાર્દિક અને કિંજલ પટેલ.

‘મારી પાંચ પેઢીમાં કોઈએ લવ મેરેજ નથી કર્યા’
હાર્દિક વધુમાં જણાવે છે કે, ‘હવે એ સમયે ઘરે કહી શકાય તેમ નહોતું. તે સમયે મારી ધરપકડ થઈ અને મારી મમ્મીને ફોન પર મેં કહ્યુ કે, ‘હવે જેલમાં છું તો કોઈ છોકરી આપે નહીં, તો મારી સાથે મારી મિત્ર છે, તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. મારા પરિવારની પાંચ પેઢીમાં કોઈએ લવમેરેજ કર્યા નથી. હું પહેલે જ છું લવ વિથ અરેન્જ મેરેજ કરનારો.’

જેલમાંથી ખૂબ પત્રવ્યવહાર કર્યોઃ હાર્દિક પટેલ
તેમને પ્રેમ પત્ર વિશે પૂછતા જણાવે છે કે, ‘હું જ્યારે જેલમાં હતો ત્યારે ખૂબ જ પ્રેમ પત્ર વ્યવહાર કર્યો છે. મેં સ્પેશિયલ કોર્ટમાંથી મંજૂરી લીધી હતી કે, મારે ઘરે અને સરકાર સાથે પત્રવ્યવહાર કરવો છે અને મને તેની મંજૂરી આપવામાં આવી હતી. અમે હજુ પણ એ પત્રો સાચવી રાખ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં મેં મારા જૂના 12-13 પત્ર એને (કિંજલને) આપ્યા હતા અને કહ્યુ હતુ કે, સાચવી રાખજે, કામ આવશે.’