January 7, 2025

ચાલુ બાઈકે સેલ્ફી વિડીયો લેવાના ચક્કરમાં થયો અકસ્માત, એકનું થયું મોત

Viral Video: સોશિયલ મીડિયા પર રીલ્સ અપલોડ કરવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. પરંતુ તાજેતરમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં રીલ બનાવવાના ચક્કરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોય. આવો જ કિસ્સો મહારાષ્ટ્રથી સામે આવ્યો છે, જ્યાં રીલ બનાવતી વખતે એક વ્યક્તિનું મોત થયું છે. વાસ્તવમાં, બે યુવકો બાઇક પર જઇ રહ્યા હતા અને વીડિયો બનાવતા હતા ત્યારે તેમની બાઇકનો અકસ્માત થયો અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે અને ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે આ ઘટના મહારાષ્ટ્રના ધુલે-સોલાપુર હાઈવેની છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાઈવે પર બે યુવકો બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે બાઇકની પાછળ બેઠેલો વ્યક્તિ વીડિયો બનાવવા લાગે છે. બાદમાં, બાઇક ચલાવી રહેલો યુવક પણ વિડીયોમાં પોઝ આપવા માટે મોબાઇલ કેમેરા તરફ પાછળ ફરીને તરફ જોવા લાગે છે. એવામાં, બાઇક ચલાવતા શખ્સનું ધ્યાન મોબાઈલ તરફ હોવાને કારણે અકસ્માત થઈ જાય છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે અને રીલ બનાવવાના ગાંડપણને લઈને ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાઇકનો અકસ્માત થઈ જાય છે અને બાદમાં કેમેરા ક્યાંક સ્થિર થઈ જાય છે. અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. બાઇક સવાર યુવકોને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.