વિનેશ ફોગાટની અપીલ ફગાવી, સિલ્વર મેડલ મેળવવાની ભારતની આશા તૂટી
Vinesh Phogat Petition Dismissed: પેરિસ ઓલિમ્પિક-2024 બાદ ભારતીય ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં કેસ દાખલ કર્યો હતો. તેની સુનાવણી થઈ ચૂકી છે, પરંતુ ચુકાદો આપવાની તારીખ સતત ટળી રહી હતી, પરંતુ હવે આ મામલે નિર્ણય બુધવારે (14 ઓગસ્ટ) આવ્યો છે. CASએ વિનેશની અપીલ ફગાવી દીધી છે. મતલબ કે હવે તેને સિલ્વર મેડલ નહીં મળે. નોંધનીય છે કે, પહેલા આ મામલામાં નિર્ણય 13 ઓગસ્ટે આવવાનો હતો, પરંતુ સમાચાર આવ્યા કે નિર્ણયની તારીખ વધારીને 16 ઓગસ્ટ કરવામાં આવી છે. પરંતુ હવે તે પહેલા જ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
ગોલ્ડ મેડલ મેચ પહેલા ડીસક્વોલિફાઇડ જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિક દરમિયાન, વિનેશે 6ઠ્ઠી ઓગસ્ટના રોજ સતત 3 મેચ રમીને 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડલ મેચ 7મી ઓગસ્ટની રાત્રે યોજાવાની હતી, પરંતુ વિનેશને તે જ સવારે ડીસક્વોલિફાઇડ કરવામાં આવી હતી કારણ કે મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હતું.
આ પછી વિનેશે CASમાં કેસ દાખલ કર્યો. તેમની પ્રથમ માંગ એ હતી કે તેમને ગોલ્ડ મેડલ મેચ રમવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ નિયમોને ટાંકીને તેમની માંગ તરત જ ફગાવી દેવામાં આવી હતી. આ પછી વિનેશે અપીલ કરી અને કહ્યું કે તેને આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ આપવામાં આવે. હવે આ અપીલ પણ ફગાવી દેવામાં આવી છે.
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOC)ના પ્રમુખ પીટી ઉષાની પ્રતિક્રિયા સામે આવી છે. પીટી ઉષાએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં વિનેશ ફોગાટની અરજી નકારવા પર આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે.