December 22, 2024

વિનેશ ફોગાટને સિલ્વર મેડલ પણ કેમ નહીં મળે? જાણો શું છે નિયમ

Vinesh Phogat: ભારતીય મહિલા કુસ્તીબાજ એથ્લેટ વિનેશ ફોગાટ જે 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુસ્તી ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચમાં ભાગ લેવાની હતી, તેનું વજન વધારે હોવાના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યું છે, તેથી હવે તેને કોઈ મેડલ નહીં મળે.

વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી
ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ જે 7 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી, તેને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે. ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરીને મેડલ ઈવેન્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હવે વધારે વજન હોવાને કારણે તેને કોઈ મેડલ નહીં મળે. આ ઈવેન્ટમાં માત્ર યુએસએની રેસલર સારાહ હિલ્ડેબ્રાન્ડને ગોલ્ડ મેડલ મળશે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટની તબિયત લથડી, તાબડતોડ હોસ્પિટલમાં કરાઈ દાખલ

તબીબી તપાસ કરવામાં આવે છે
દરરોજ સવારે તબીબી તપાસ પછી ઇવેન્ટમાં ભાગ લેનારા તમામ કુસ્તીબાજોનું વજન પણ માપવામાં આવે છે. જેમાં આ સમગ્ર પ્રક્રિયા 30 મિનિટ સુધી કરવામાં આવે છે. આ પછી બીજા દિવસે ફાઇનલમાં ભાગ લેનારા કુસ્તીબાજો માટે ઇવેન્ટના દિવસે ફરીથી સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે. આ તપાસમાં વજન અને ખેલાડીઓના નંખથી લઈને તમામ ધ્યાન રાખવામાં આવે છે. આ તપાસ દરમિયાન ખેલાડીઓ હાજર ના રહે તો પણ તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે.

વધારે વજનનો નિયમ શું કહે છે?
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ મુખ્ય કુસ્તી મહાસંઘ છે, અને તેના નિયમો અનુસાર, જો કોઈ કુસ્તીબાજ સ્પર્ધા પહેલા પ્રથમ અથવા બીજા પ્રયાસમાં તેની વજન શ્રેણી સાથે મેચ કરવામાં નિષ્ફળ જાય તો ગેરલાયક ઠેરવવામાં આવે છે. વિનેશ પણ આ નિયમનો શિકાર બની ગઈ છે અને આ નિયમ અનુસાર તેને કોઈ મેડલ નહીં મળે.