November 23, 2024

વેરાવળમાં 350 કરોડના ડ્રગ્સ મામલે વધુ એક આરોપીની મધદરિયે ધરપકડ

veraval 350 crore drugs case one more accused arrested

ડ્રગ્સ કેસનો આરોપી

ગીર-સોમનાથઃ વેરાવળમાંથી ઝડપાયેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની મધદરિયેથી ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સના કેસમાં ફરાર આરોપી શિવકુમાર ચેન્નન કાઉન્ડરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને દરિયામાં 30 નોટિકલ માઈલ દૂરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

350 કરોડનો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો
થોડા સમય પહેલાં વેરાવળ બંદરમાંથી 350 કરોડની કિંમતની હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે અત્યાર સુધીમાં ડ્રગ્સનો જથ્થો આપનારા અને બોટમાં લઈ આવનારા ટંડેલ તથા જથ્થો લેવા આવેલા જામનગરના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ડ્રગ્સનો જથ્થો મૂળ જામનગરના જોડિયાના વતની અને જુના ડ્રગ્સ કેસમાં ફરાર મામા નામનો શખ્સ આફ્રિકામાં બેસી ડ્રગ્સ હેરાફેરીનું નેટવર્ક ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ગયા વર્ષે પણ વેરાવળ બંદરમાં ડ્રગ્સનો જથ્થો આવેલો અને તેની ડિલિવરી થઇ હોવાનો મોટો ખુલાસો થયો હતો. આ મામલે ડ્રગ્સકાંડના મુખ્ય આરોપી એવા આફ્રિકામાં રહેતા મામાના પરિવારજનોને ATSની ટીમે ઝડપી લીધા હતા.

ફિશિંગ બોટમાંથી શકમંદ શખ્સને ઉઠાવ્યો
આ દરમિયાન જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમણે બાતમીના આધારે વેરાવળ બંદરના દરિયામાં LCB અને SOGની ટીમે ફિશિંગ બોટ લઈ દરિયામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં વેરાવળ બંદરથી 20 નોટિકલ માઈલ દૂર એક ફિશિંગ બોટમાંથી શંકાસ્પદ શખ્સને ઉઠાવી લીધો હતો અને આગવી ઢબે તેની પૂછપરછ હાથ ધરી હતી.