November 24, 2024

વાવ પેટાચૂંટણી: કોંગ્રેસના ગુલાબસિંહના સમર્થનમાં યોજાયું મેઘવંશી સમાજનું સંમેલન

બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે તે વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં આજે વાવ ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં મેઘવંશી સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મેઘવંશી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુંદ વાસનિક, પ્રદેશ પ્રભારી સુભાષિની યાદવ સહિતના પ્રદેશના નેતાઓ વાવના મેદાને જોવા મળ્યા.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની ચૂંટણીનો જંગ હવે દિવસેને દિવસે જામતો જાય છે અને આ જંગનો રંગ હવે વાવના મેદાનમાં જોવા મળી રહ્યો છે. ત્યારે, આજે ભાભર ખાતે પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલએ ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી. તો બીજી બાજુ વાવ લોક નીકેતન ખાતે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં મેઘવંશી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુંદ વાસનિક, પ્રદેશ પ્રભારી સુભાષિની યાદવ સહિતના અનેક કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા અને દલિત સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને મત આપીને જીતાડવા માટેની ખાતરી આપી હતી.

જોકે વાવના મેદાને ઉતરેલા કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ગુલાબસિંહ ઉમેદવાર હોય કે પછી બીજો કોઈ અન્ય ઉમેદવારો હોય તમારું અને મારું દલિત સમાજ તરીકેનો પહેલું કર્તવ્ય છે કે આ ભારતીય જનતા પાર્ટીનો તંબુ ઉખાડીને ફેંકી દેવો જોઈએ.