December 27, 2024

વાવ પેટાચૂંટણી મામલે અપક્ષ ઉમેદવારનો ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો, ક્લિનચીટ મળી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીમાં ભાજપના અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો અને ફોર્મ રદ કરવાની માગણી કરવામાં આવી હતી. જો કે, સુઈગામ પ્રાંત અધિકારીએ કહ્યું કે ઉમેદવારી પત્રો નિયમ મુજબ છે અને તે યથાવત રહેશે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના ફોર્મ ચકાસણીના દિવસે અપક્ષમાંથી લડી રહેલા નિરૂપા માધૂએ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના ફોર્મ સામે વાંધો રજૂ કર્યો હતો. સ્વરૂપજી ઠાકોરના ઉમેદવારી ફોર્મ સામે અરજદારે ફોર્મ 26નો જે નમૂનો હોય છે અને તેનું સોગંદનામુ હોય છે તેની સામે વાંધો રજૂ કર્યો હતો. આ સોગંદનામામાં ઠાકોર સ્વરૂપજીની જગ્યાએ પરમાર સ્વરૂપજીનું સોગંદનામુ કર્યું હતું, જે અયોગ્ય હોવાથી ફોર્મ રદ કરવાની માગણી કરી હતી. ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભાના મતદાર છે અને વાવ વિધાનસભામાં પેટાચૂંટણી લડી રહ્યા છે એટલે તેમને થરાદના સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે, પરંતુ તેમણે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ ન કરતા તેમની સામે પણ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, આ વાંધો રજૂ કરી અને અરજદારે તેમના ફોર્મ રદ કરવાની માગ કરી હતી.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારના વાંધા પ્રકરણમાં સુઈગામ પ્રાંત અધિકારીએ બંને ઉમેદવારોના ફોર્મને ક્લિનચીટ આપી હતી અને યથાવત રાખ્યા હતા. સ્વરૂપજી ઠાકોરના સોગંદનામાની સામે વાંધો હતો તે પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ સ્વરૂપજી ઠાકોરનું વતન છે અને સ્વરૂપજી ઠાકોર અને પરમાર સ્વરૂપજી આ બંને નામનો એક જ વ્યક્તિ ગામમાં છે અને તેઓ સ્વરૂપજી ઠાકોર છે. તેમનું સોગંદનામું પણ ફોર્મમાં રજૂ કરેલું છે એટલે આ ફોર્મ પણ માન્ય છે. જ્યારે ગુલાબસિંહનું મતદાર યાદીનું પ્રમાણપત્ર થરાદ મામલતદાર અને ચૂંટણી અધિકારનું છે એટલે કે એ ટેક્નિકલ બાબત છે અને ટેક્નિકલ બાબતને લીધે કોંગ્રેસના ગુલાબસિંહનું પણ ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે.