December 22, 2024

વાવ બેઠક માટે ભાજપના ઉમેદવારની જાહેરાત, સ્વરૂપજી ઠાકોરને આપી ટિકિટ

બનાસકાંઠાઃ વાવ બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી છે. સ્વરૂપજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, વાવ બેઠક પર ઠાકોર મતદારો સૌથી વધુ છે. તો બીજી તરફ, કોંગ્રેસે તેમની સામે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી જીત્યા હતા. ત્યારબાદ લોકસભામાં બનાસકાંઠા બેઠક પરથી તેઓ જીતતા વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. ત્યારે ચૂંટણીપંચે અહીં પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલડું નમે છે.

વાવ બેઠકનો ઇતિહાસ
વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ એમ કુલ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1985થી અત્યારસુધી 37 વર્ષનો રાજકીય ઈતિહાસ જોઇએ તો વાવ વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર 1985માં કોંગ્રેસના પરબત પટેલની જીત થઇ હતી. 1990માં જનતાદળના માવજી પટેલની જીત થઇ હતી. 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂતની જીત થઇ હતી. 2007માં ભાજપના પરબત પટેલનો વિજય થયો હતો. 2012માં શંકર ચૌધરી અને 2017 તેમજ 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. આમ, વાવ બેઠક પર ત્રણવાર કોંગ્રેસ, એકવાર જનતા દળ અને બેવાર ભાજપે જીત મેળવેલી છે.