સ્વરૂપજી ઠાકોરે ઇમોશનલ કાર્ડ ખેલ્યું, મતદાતા સર્વોપરી છે કોઈની તાકાત ન ચાલેઃ ગેનીબેન
બનાસકાંઠાઃ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના પાઘડી ઉતારવા મામલે સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘સ્વરૂપજી ઠાકોરે ઈમોશનલ કાર્ડ ખેલ્યું છે. સ્વરૂપજી ઠાકોર પાર્ટીની વિચારધારા પ્રમાણે કરી રહ્યા છે.’
ગેનીબેને વધુમાં જણાવ્યું છે કે, ‘ઈમોશનલ કાર્ડ ખેલવાથી મત મળતા નથી. મતદારો ઉમેદવારનો ભૂતકાળ અને ઇતિહાસ જોતા હોય છે.’ તેમણે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે કે, ‘કોઈ વ્યક્તિઓની તાકાત ન ચાલે મતદાતા સર્વોપરી છે. કોણ કેવા નિવેદન આપે છે એનાથી અમને કોઈ મતલબ નથી. વહીવટી તંત્ર અથવા મોટો કોઈ લોર્ડ કર્ઝન હેરાનગતિ કરશે તો અમે તેની સામે ઉભા રહીશું.’ મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, સ્વરૂપજી ઠાકોરને કોણ રોકે છે એ હું જોઉં છું.
આ સિવાય અપક્ષ ઉમેદવાર માવજી પટેલની ઉમેદવારી મુદ્દે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ‘ભાજપમાં 50થી 60 લોકોએ ટિકિટ માગી હતી. ભાજપમાં કોઈ ટિકિટ લેવાવાળો નિર્ણાયક વ્યક્તિ જ નથી. તો સવાલ એ છે કે ભાજપે માવજીભાઈને કેમ ટિકિટ ન આપી. આ બધી ઉશ્કેરવાની વાતો છે મતદારો સમજદાર છે. વાવ વિધાનસભાના મતદારો મતદાન કરશે અને પરિણામ આવશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.’