December 19, 2024

વટવા: આવાસ તોડવાની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં પડતા બાળકીનું મોત

મિહિર સોલંકી, અમદાવાદ: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા આવાસો છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ બન્યા હતા. હાલમાં બનેલ ઘટના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શરમમાં મૂકે તેવી ઘટના બની છે. વટવા આવાસના તોડફોડના કામકાજમાં કોન્ટ્રાક્ટર દ્વારા 10 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ વર્ષની બાળકી રમત રમતા પડી ગઈ હતી અને તે મૃત્યુ પામી હતી.

બાર વર્ષમાં જ વટવાના આવાસો તોડી પાડવામાં આવ્યા તે મામલામાંથી હજી કોર્પોરેશન બહાર આવે તે પહેલા બે દિવસ પહેલા આવાસો તોડી પાડવાના કામકાજમાં જે મલબો ભેગો થયો હતો. 10 ફૂટનો ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો, જ્યારે તે વિસ્તારમાં બાળકો રમત રમતા હતા તેમાં એક બાળકી રમત રમતા આ ખાડામાં પડી ગઈ હતી. ખાડો ખુબજ ઊંડો અને ખાડામાં 10 ફૂટ સુધીનું પાણી હોવાના કારણે બાળકી તરત જ મૃત્યુ પામી હતી. આ ઘટના સામે આવતા બાળકીના માતા પિતા અને તેના પરિવારજનોમા શોક નો માહોલ સર્જાયો હતો.

સમગ્ર ઘટના ઘટતા જ બાળકીના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ પણ કરી, પરંતુ પોલીસ દ્વારા પણ હજી સુધી ફરિયાદ લેવામાં આવી નથી. પહેલો સવાલ એ ઉભો થાય છે કે ખાડાની આસપાસ કોર્પોરેશન દ્વારા કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના બેરીકેટ કેમ લગાડવામાં નતા આવ્યાં. હાલમાં જ્યારે Dymc સાથે આ વિષય પર વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે પણ કોન્ટ્રાક્ટર હશે તેના વિશે માહિતી લઈને તેના પર કાર્યવાહી કરવામાં આવશે. બે દિવસ થવા છતાં હજુ સુધી કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટર કોણ હતો તેની માહિતી નથી. બીજી બાજુ કોર્પોરેશન વાઇબ્રન્ટ નવરાત્રીમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે.

સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્રમાં બાળકીના પરિવારને 10 લાખ રૂપિયાનો વળતર અને જે પણ કોન્ટ્રાક્ટર હોય તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતા સમયે કોંગ્રેસના વિરોધ પક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સાથે કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને જમાલપુર વિધાનસભા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા હતા. આવેદન પત્ર આપીને કોંગ્રેસ વિરોધ પક્ષ નેતાનું નિવેદન હતું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદમાં થતી આવી ઘણી બાબતોથી અજાણ છે તે કારણસર વિપક્ષ નેતા તેમનું ધ્યાન દોરી રહ્યા છે.