January 16, 2025

અંગત અદાવતમાં થયેલ હત્યા કેસમાં વરાછા પોલીસે 10 સગીર સહિત 12 આરોપીઓની કરી ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશ નગર ચોપાટીમાં ત્રણ જેટલા યુવાનો સાથે કેટલાક અજાણ્યા ઇસમોનો ઝઘડો થયો હતો. ત્યારબાદ આ ઝઘડા ની અદાવતમાં ચોપાટીની બહાર જ ચાર યુવાનો પર ચપ્પુ લાકડાના ફટકા સહિતથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતાં વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી 12 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી 10 સગીર વયના છે.

મૂળ નેપાળનો 26 વર્ષીય પ્રદીપ કરિંગા ચૌધરી ભાઈ અને ભાભી સાથે સુરતમાં રહેતો હતો. પ્રદીપ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગતરોજ સાંજે પ્રદીપ તેનો ભાઈ સુનિલ, ભાણિયો અનિલ અને બનેવી લાલ બહાદુર સાથે જગદીશ નગરમાં આવેલી ચોપાટી ખાતે બેસવા ગયા હતા. આ દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા અને તેમની પાસે એક શ્વાન હતો જે પ્રદીપના પગ પર ચાવવાનો પ્રયાસ કરતો હોવાથી પ્રદીપ અનેં અજાણ્યા ઈસમો સાથે બોલાચાલી થઈ હતી.

ઉશ્કેરાઈ ગયેલા આ ત્રણેય બોલાચાલી બાદ અપશબ્દો સાથે માર પણ મારવાનું શરૂ કરતા બૂમાબૂમ થવાથી તે ભાગી ગયા હતા.ત્યારબાદ પ્રદિપ સહિતના ચારેય ચોપાટીની બહાર નીકળી રહ્યા હતા ત્યારે 10 થી 11 જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને આ ચારેય પર હુમલો કરી દીધો હતો. લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે એને આડેધડ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. પ્રદીપને પેટના ભાગે ચપ્પુ માર્યા બાદ આંતરડા બહાર આવી જતા તમામ હુમલાખોરો ભાગી ગયા હતા.

આ દરમિયાન સ્થાનિકો દ્વારા 108 ને જાણ કરવામાં આવતા તમામને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રદીપનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પ્રદીપના ભાઈ સુનિલે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે હત્યાના ગુનામાં 12 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં 10 આરોપીઓ સગીર વયના છે અને બે પુખ્તવયના છે. પોલીસે 21 વર્ષીય વિક્રમ ઉર્ફે વિકી નારણભાઈ સોલંકી અને 19 વર્ષીય ભીમ ભરતભાઈ રાઠોડની ધરપકડ કરી છે. પકડાયેલ બન્ને આરોપીઓ રત્નકલાકાર છે. હાલ તો વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.