November 15, 2024

વાપી-શામળાજી હાઇવે બનાવવા તાપી જિલ્લામાં જમીન સંપાદન, વળતર ન મળતા ખેડૂતો વિફર્યા

દિપેશ મજળપુરીયા, તાપીઃ વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે નંબર 56 તાપી જિલ્લામાંથી પસાર થવાનો છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંપાદનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ જમીન ગુમાવનારા ખેડૂતો કે લોકોને આજદિન સુધી વળતર નહીં મળતા ફરી ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તાપી જિલ્લામાંથી પસાર થનારો નેશનલ હાઇવે 56 વાપીથી શામળાજીને જોડશે. આ હાઇવે તાપી જિલ્લાના 28 ગામમાંથી પસાર થાય છે. જેમાં 1100થી વધુ ખેડૂતોની જમીન આ હાઇવેમાં સંપાદન થઈ રહી છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંપાદનની તમામ પ્રક્રિયા વર્ષ 2022માં પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ જે લોકો આ હાઇવેમાં જમીન ગુમાવી રહ્યા છે તે તમામ લોકોને સરકાર દ્વારા આજ દિન સુધી એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી.

અગાઉ પણ ખેડૂતો દ્વારા વારંવાર તેની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ નહીં આવતા ફરી ખેડૂતોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને વહેલામાં વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.