January 5, 2025

180KMની સ્પીડથી પાટા પર દોડી સ્લીપર વંદે ભારત, ગ્લાસમાંથી પાણી પણ ન છલકાયું

Vande Bharat Train: દેશની પ્રથમ એસી સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. 31 ડિસેમ્બર, 2024 ના રોજ કોટા રેલ્વે વિભાગમાં દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રેક પર 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લખનૌની રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) આ ટ્રેનનું ટ્રાયલ કરી રહી છે. મુવમેન્ટ ઈન્સ્પેક્ટર સુશીલ જેઠવાણી અને લોકો ઈન્સ્પેક્ટર આરએન મીનાએ RDSO લખનૌ ટીમ સાથે સંકલન કર્યું. નાગડા, સવાઈ માધોપુરથી કોટા વચ્ચે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.

ટ્રાયલનો વીડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે વંદે ભારત સ્લીપર ટ્રેન 180ની સ્પીડથી દોડી રહી છે અને વીડિયોમાં ટ્રેનના કોચમાં રાખેલો પાણીનો ગ્લાસ પણ જોઈ શકાય છે, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે વંદે ભારત ટ્રેન આટલી ઝડપે દોડી રહી છે છતા પણ ગ્લાસ હલ્યો પણ નહીં. એમાં રહેલું પાણી છલકાયું નહીં. આ ટ્રેનની ટ્રાયલ જાન્યુઆરીના આખા મહિના સુધી વિવિધ વિસ્તારોમાં ચાલુ રહેશે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ રિપોર્ટ રેલ્વે મંત્રાલય અને રેલ્વે બોર્ડને મોકલવામાં આવશે.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ નવા વર્ષમાં બનાવી દીધો આ શરમજનક રેકોર્ડ

એક રૂટ પર જુદી જુદી ઝડપે ટ્રાયલ લેવામાં આવે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનને આ વર્ષે વંદે ભારત એસી સ્લીપર ટ્રેન મળશે. જે મારવાડથી નીકળીને દિલ્હી-મુંબઈ રૂટ પર દોડશે. તેનું ભાડું ચેર કાર અને એક્ઝિક્યુટિવ કેટેગરી જેટલું જ હશે. ટ્રેનની ખાસિયતો એવી હશે કે મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ટ્રેનના નવા એસી સ્લીપર મૉડલ માટે જોધપુરમાં સેન્ટ્રલાઇઝ્ડ મેન્ટેનન્સ ડેપો બનાવવામાં આવશે. જેનો ખર્ચ આશરે 166 કરોડ રૂપિયા થશે. માત્ર આ ટ્રેન જ નહીં પરંતુ દેશભરમાં ચાલતી તમામ વંદે ભારત ટ્રેનની જાળવણી અહીં કરવામાં આવશે.