November 25, 2024

હવે પેસેન્જર ટ્રેન પણ સુપરફાસ્ટ, 3 હજાર વંદે ભારત મેટ્રો દોડાવાશે; ગુજરાતથી શરૂઆત

અમદાવાદઃ દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે તેને ફ્લેગ ઓફ કરશે. ત્યારપછી દેશના અન્ય રાજ્યોમાં મોટા પાયે વંદે મેટ્રો ટ્રેન ચલાવવાની યોજના છે. 3 હજાર વંદે પેસેન્જર ટ્રેનની જગ્યાએ વંદે ભારત મેટ્રો ચલાવવાની યોજના છે.

તેની વિશેષતાઓને કારણે આ ટ્રેન રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સ્થાનિક-પેસેન્જર ટ્રેનોમાં કામ કરતા લોકોની મુસાફરી ઝડપી અને આરામદાયક બનાવશે. રેલવે બોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, વંદે મેટ્રો ટ્રેનની મહત્તમ સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. જો કે, તેને 75થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે.

સ્વ-સંચાલિત ટેક્નોલોજીને કારણે વંદે મેટ્રો વધુ ઝડપે ઉપડી શકશે અને ઝડપથી અટકી શકશે. આ સાથે વંદે મેટ્રોની એવરેજ સ્પીડ પેસેન્જર અને લોકલ ટ્રેનો કરતાં વધુ હશે. અધિકારીએ કહ્યું કે, વંદે મેટ્રોનું ભાડું હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ તે મેલ-એક્સપ્રેસના સ્લિપર ક્લાસ કરતાં વધારે હશે. એટલે કે ભુજ-અમદાવાદ વચ્ચે પેસેન્જર દીઠ ભાડું 300-400 રૂપિયા હોઈ શકે છે.

રેલ્વે હાલની 3,000 પેસેન્જર ટ્રેનોને બદલીને તેની જગ્યાએ વંદે મેટ્રો ટ્રેન ચલાવવા જઈ રહી છે. ઇન્ટરસિટી તરીકે દોડતી આ ટ્રેન આધુનિક સુવિધાઓ અને સલામતીથી સજ્જ હશે. આ 200-350 કિલોમીટરની અંદર આવતા મોટા શહેરો વચ્ચે ચલાવવામાં આવશે. વંદે મેટ્રોના દરવાજા આપોઆપ ખુલશે અને બંધ થશે. ઈમર્જન્સીના કિસ્સામાં ટોક બેકની સુવિધા હશે જેના દ્વારા મુસાફરો ટ્રેન ડ્રાઈવર સાથે વાત કરી શકશે. આગ નિવારણ માટે દરેક કોચમાં 14 સેન્સર હશે. દરેક કોચમાં દિવ્યાંગો માટે વ્હીલચેર હશે.