વાપીના ફોટો સ્ટુડિયોમાંથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટનું કૌભાંડ ઝડપાયું, 3ની ધરપકડ
અંકુર પટેલ, વલસાડઃ જિલ્લાના વાપીના ચણોદમાં એક ફોટો સ્ટુડિયોમાં ડુપ્લીકેટ આધારકાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી આપતા 3 ઇસમોને ઝડપીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ છેલ્લા 4 વર્ષથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ બનાવી આપવાનું કૌભાંડ આચરી રહ્યા હતા.
વલસાડ જિલ્લાના વાપીના ચણોદ ખાતે એક ફોટો સ્ટુડિયોમાં છેલ્લા 4 વર્ષથી માત્ર 600 રૂપિયામાં બનાવટી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ઈલેક્શન કાર્ડ બનાવવાનું રેકેટ વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે ઝડપી પાડ્યું હતું. વાપી GIDCમાં નોકરી ઇચ્છુક યુવકોના આધાર કાર્ડ ઉપર સ્થાનિક એડર્સ અને જન્મના દાખલામાં છેડછાડ કરી જન્મતારીખ બદલી આપતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં દમણમાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી કરતા યુવક સહિત ત્રણ આરોપી પાસેથી કમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 92 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ SOGની ટીમે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વડોદરાના સાંસદ અને BJP ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાથી ઇનકાર
વલસાડ જિલ્લામાં આગામી 7મી મે 2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે. ત્યારે વલસાડ SP ડો. કરણરાજ વાઘેલાએ વલસાડ SOGની ટીમને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે વલસાડ SOG PIના નેતૃત્વમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે કામગીરી કરવા PSI આરબી પરમાર તેમની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપીના ચણોદ ગામે આવેલ શ્રી રામ સ્ટુડીયોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ભારત સરકારના ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી સુધારો વધારો કરી તમામ ડોક્યુમેન્ટ સ્થાનિક અને જરૂરિયાત મુજબના બનાવી અપાવામાં આવતા હોવાનું કૌભાંડ આચરી રહ્યા હોવાની બાતમી વલસાડ SOGની ટીમને મળી હતી.
આ પણ વાંચોઃ ભીખાજી ઠાકોરની ચૂંટણી ન લડવાની જાહેરાત, 15 મિનિટમાં જ FB પોસ્ટ ડિલીટ
મળેલી બાતમીના આધારે વલસાડ SOGની PSI આરબી પરમાર તેમની ટીમે એક ડમી ગ્રાહક મોકલાવીને નકલી આધાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, બર્થ ડે સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવવાની કામગીરી વાપીના ચણોદ ગામે આવેલ શ્રી રામ સ્ટુડીયોમાં આપી હતી. સ્ટુડિયોમાં હજાર વ્યક્તિએ એક ડોક્યુમેન્ટમાં સુધારનો કરવામાં રૂપિયા 600ની માંગણી કરી હતી. વલસાડ SOGની ટીમને ડમી ગ્રાહકે સિગ્નલ આપતા SOGની ટીમે રેડ કરી કૌભાડ ઝડપી પાડ્યું હતું. જેમાં દમણની કેનેરા બેંકમાં આધાર કાર્ડનું કામ કરતા અબ્દુલા મોહમદ સમીમ ખાન નોકરી પૂર્ણ થયા બાદ સ્ટુડિયો ઉપર આવીને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપવામાં આપવામાં મદદ કરતો હતો. સ્ટુડિયોનો માલિક મનીષ રામલાલ સેન અને અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન અને કાલંદીચરણ રમેશચંદ્ર સામલને પકડી પોલીસે કાયદેસરની ધરપકડ કરી છે.
આ ત્રણેય આરોપી વાપી-ડુંગરા પોલીસની હદ વિસ્તારમાં ચણોદ ગામ નજીક શ્રી રામ ફોટો સ્ટુડિયોમાં કમ્પ્યુટર અને અલગ અલગ ઇલેક્ટ્રીક સાધનોથી આર્થિક લાભ માટે જરૂરિયાતમંદ લોકો પાસે એક દસ્તાવેજના 600 રૂપિયા લઇને ખોટા આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઈલેક્શન કાર્ડ તથા પાન કાર્ડ નવા બનાવી આપતા હતા. વલસાડ SOGની ટીમે કુલ 92 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ સરકારી ડોક્યુમેન્ટમાં છેડછાડ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી પાસે હજી અનેક રહસ્ય પરથી પૂછપરછમાં પડદો ઉંચકાય શકે છે.