December 25, 2024

વલસાડમાં વાડીમાંથી મળેલી લાશ મામલે મોટો ખુલાસો, વ્યાજે આપેલા પૈસા પરત ન આપવા મહિલાની કરતૂત

અંકુર પટેલ, વલસાડઃ અત્યાર સુધી વ્યાજખોરોના ત્રાસથી લોકો મોતને વ્હાલ કરતા હતા, પરંતુ વલસાડ જિલ્લાના પારડીમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આધેડે વ્યાજે આપેલા પૈસા પરત માગતા મોત મળ્યું હતું.

બે દિવસ પહેલાં પારડીના વાઘછીપા ગામે એક વાડીમાંથી એક આધેડની લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી. વાઘછીપામાં વાડીમાંથી મળેલી લાશ જીતેન્દ્રભાઈ ઠાકોરની હતી. તેમની લાશને પોલીસે પહેલાં પારડી અને ત્યારબાદ પેનલ PM માટે સુરત મોકલી હતી. જો કે, બીજા દિવસે પીએમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો. જીતેન્દ્રભાઈને ગળેટૂંપો દઈ તેમની હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં જિલ્લા એલસીબીની ટીમ તેમજ પારડી પોલીસે અલગ અલગ રીતે તપાસ કરી હતી. વલસાડ પોલીસને આ ઘટનામાં એક મહિલા પર શંકા ગઈ હતી, જે દિશામાં પોલીસે તપાસ વધુ તેજ કરી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાઘછીપા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ઠાકોર કે જે લેઉવા પટેલ છે, પૈસા ટકે સદ્ધર, ઘર, જમીન, વાડી, ઘરમાં પત્નીને પેરાલિસિસ થયેલું હોવાથી અને પોતાને કેન્સર હોવાથી ઘરેથી વાડી અને વાડીએથી ઘરે રહી વ્યાજનો ધંધો કરતા જીતેન્દ્રભાઈએ ગામ તેમજ આજુબાજુમાં ઘણાં લોકો પાસેથી વ્યાજે આપેલા પૈસા પરત લેવાના હતા. જેમાં અનેક લોકો સાથે તેમની બોલાચાલી થતી હતી. આ ઘટનામાં ભારતીબેન પટેલ નામની મહિલાએ પણ જીતેન્દ્રભાઈ પાસે વ્યાજે તૂટક તૂટક પૈસા લીધા હતા. તે પૈસા ભારતીબેનથી પરત ન અપાતા જીતેન્દ્રભાઈ વ્યાજના પૈસા અને તેને આપેલા પૈસા ભારતીબેન પાસે અવારનવાર માગતો હતો. પરંતુ ભારતીબેનથી પૈસા ન અપાતા જીતેન્દ્રભાઈએ બિભત્સ માંગણી કરી હતી.

ભારતીબેન અને જીતેન્દ્ર ઠાકોર વચ્ચે અનેકવાર બોલાચાલી થતી હતી. જીતેન્દ્રભાઈ અવારનવાર ભારતીબેનને પૈસા બાબતે બ્લેકમેઇલ કરતા હતા. ત્યારે ભારતીબેન પાસે બિભત્સ માગણી કરતા તેમણે કાસળ કાઢવાનું વિચાર્યું હતું. ભારતીબેનને બે દિવસ પહેલાં જીતેન્દ્રભાઈએ આંબાવાડીમાં બોલાવ્યા હતા. જ્યાં જીતેન્દ્રભાઈએ ભારતીબેન પાસે વ્યાજના પૈસા અને મુદ્દલ રકમ માગી હતી અને જો પૈસા નહીં આપે તો સેક્સ્યુઅલ માગણી કરી હતી. ત્યારબાદ ભારતીબેને જીતેન્દ્રભાઈને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ એના ગળે હાથ અને પગ વડે ગળેટૂંપો દઈને મોત નીપજાવેલ હતું.

આ સમગ્ર ઘટનામાં પોલીસે હત્યારી ભારતીબેનની ધરપકડ કરી છે. ભારતીબેને સમગ્ર મામલે પોલીસ સામે ગુનો કબૂલ્યો હતો. ભારતી બેન સાથે આ ઘટનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં, જીતેન્દ્રભાઈના ફોન રેકોર્ડ તપાસવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.