December 23, 2024

7 ફૂટના શિવલિંગ પર સૂર્યદેવ કરે છે કિરણોથી અભિષેક, કહેવાયા ‘તડકેશ્વર મહાદેવ’

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાના છવ્વીસમા દિવસે શિવાલયયાત્રા પહોંચી ગઈ છે ગુજરાતના દક્ષિણ છેડે આવેલા વલસાડમાં. અહીં વાંકી નદીના કિનારે આવેલા અબ્રામા ગામમાં બિરાજમાન છે તડકેશ્વર મહાદેવ. આ મંદિરમાં ભગવાન સૂર્યનારાયણ દરરોજ મહાદેવનો તેમના કિરણોથી અભિષેક કરે છે. આવો જાણીએ સમગ્ર ઇતિહાસ…

શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, 800 વર્ષ પહેલાં એક ગોવાળિયાએ જાણ્યું કે, તેની ગાય દરરોજ ટોળાથી અલગ થઈને ગાઢ જંગલમાં જઈને એક જગ્યાએ ઊભી રહીને આપમેળે પોતાના દૂધની ધારા પ્રવાહિત કરે છે. ગોવાળિયાએ અબ્રામા ગામ પાછા ફરીને ગામલોકોને તેની સફેદ ગાય દ્વારા ગાઢ વનમં એક પાવન સ્થળે જાતે જ દુગ્ધાભિષેકની વાત જણાવી હતી. શિવભક્ત ગામના લોકોએ ત્યાં જઈને જોયું તો પવિત્ર સ્થળના ગર્ભમાં એક પાવન શિલા વિરાજમાન હતી.

મહાદેવે સપનામાં આવીને આદેશ કર્યો
પછી શિવભક્ત ગોવાળિયાએ દરરોજ તે જંગલમાં જઈને શિલા અભિષેક-પૂજન શરૂ કરી દીધું હતું. ગોવાળિયાની અતૂટ શ્રદ્ધા જોઈ શિવજી પ્રસન્ન થયાં અને શિવજીએ ગોવાળિયાને સપનામાં દર્શન આપ્યાં. આ સાથે આદેશ કર્યો કે, ‘ઘનધોર વનમાં આવીને તમારી સેવાથી હું પ્રસન્ન છું. હવે મને અહીંથી દૂર કોઈ પાવન જગ્યાએ લઈ જઈને સ્થાપિત કરો.’ ગોવાળિયાએ ગામના લોકોને સપનામાં મળેલાં આદેશની વાત જણાવી.

વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા કરી
ગોવાળિયાની વાત સાંભળીને બધા શિવભક્ત વનમાં આવ્યાં. પાવન સ્થળે ગોવાળિયાની દેખરેખમાં ખોદકામ કર્યું તો આ શિલા સાત ફૂટના શિવલિંગ સ્વરૂપમાં મળી હતી. ત્યારબાદ ગામના લોકોએ પાવન શિલાને તડકેશ્વર મંદિરમાં વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠિત કરી હતી. આ સાથે જ ચારેય બાજુ દિવાલ બનાવીને ઉપર છત્ર રાખ્યું હતું. ગામના લોકોએ જોયું કે થોડા જ સમયમાં તે છત્ર જાતે જ સ્વાહા થઈ ગયું.

આ મંદિર ઉપર છત નથી
સતત આવી ઘટના બનતી હતી. ગામના લોકો સતત કોશિશ કરી રહ્યા હતાં. ગોવાળિયાને ભગવાને ફરી સપનામાં આવીને જણાવ્યું કે, હું તડકેશ્વર મહાદેવ છું. મારી ઉપર કોઈ છત્ર બનાવશો નહીં. પછી ગામના લોકોએ શિવના આદેશને માની લીધો. શિવલિંગનું મંદિર બનાવ્યું પરંતુ શિખરનો ભાગ ખુલ્લો રાખ્યો જેથી સૂર્યના કિરણો હંમેશાં શિવલિંગ ઉપર અભિષેક કરે છે.

1994માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો
1994માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાકાર આકૃતિમાં ખુલ્લા શિખરનું નિર્માણ કરવામાં આવ્યું. શિવ ભક્ત-ઉપાસક દરેક સમયે અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પાવન શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિએ અહીં વિશાળ મેળો ભરાય છે.