વલસાડમાં મીની વાવાઝોડા જેવો માહોલ, ક્યાંક છાપરાં ઉડ્યાં તો ક્યાંક વૃક્ષો પડ્યાં
વલસાડઃ ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે વલસાડ જિલ્લામાં મોડી સાંજે મેઘતાંડવ મચાવ્યો હતો. ભારે પવન સાથે આવેલા મીની વાવાઝોડાએ તારાજી સર્જી છે.
પારડી તાલુકાના કાકરકોપર, સુખાલા, બાલદા, સુખેશ જેવા ગામોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. મકાનોનાં છાપરાં તૂટ્યાં છે તો ક્યાંક વૃક્ષો પડ્યાનાં બનાવ બન્યાં છે. પારડીથી કપરાડા જતા સ્ટેટ હાઇવે પર મોટી સંખ્યામાં વૃક્ષો પડતા માર્ગ બંધ થયો છે. જેમાં ત્રણથી ચાર જેટલી કાર વૃક્ષો નીચે દબાઈ છે. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
મોડી સાંજે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. કપરાડામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. કપરાડા તાલુકામાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ પડતા અસહ્ય ગરમીથી લોકોને રાહત થઈ છે. પાછોતરા વરસાદને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ છે.