December 16, 2024

વલસાડના યુવકનો 48 કલાક માટે અન્નજળનો ત્યાગ ‘ને મૌન, રસ્તાના સમારકામ ન થતા અનોખો વિરોધ

વલસાડઃ જિલ્લામાં ચોમાસા બાદ નેશનલ હાઇવે 48 તેમજ વાપી અને તેની આજુબાજુ પડેલા ખાડાંને લઈને વધેલા અકસ્માતો તેમજ લોકોને પડતી હાલાકીને વાપીના એક ઈસમએ તંત્ર સામે અનોખી લડત ચાલુ કરી છે. 48 કલાક માટે અન્નજળનો ત્યાગ કરી મૌન ધારણ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ પડેલા ખાડાંઓને લઈને અકસ્માતો વધ્યા છે. લોકોનાં મોત પણ થયા છે. તેમજ વાહનચાલકોને પણ ભારે મોટા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે. તે છતાં વાપી તેમજ તેની આસપાસ અને નેશનલ હાઇવે 48 પર રસ્તાઓનું સમારકામ થઈ રહ્યું નથી, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

વાપીના દાળશાણીયા જયદીપ નામના વ્યક્તિએ તંત્ર સામે બાંયો ચડાવી છે. તંત્ર જાગે અને રસ્તાનું સમારકામ થાય અને અકસ્માતો પર રોક લાગે તે માટે 48 કલાક સુધી મૌન વ્રત અને અન્નજળનો ત્યાગ કરી વાપી નજીક નેશનલ હાઇવે 48 પર આવેલા બ્રહ્મદેવ મંદિરે વિરોધ પર બેસી તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ કરી રહ્યા છે. તેમના આ વિરોધને સ્થાનિક લોકોએ પણ સમર્થન આપ્યું છે.