November 15, 2024

વલસાડમાં ગોકુલ ગ્રુપના ડુપ્લિકેટ પાસ બનાવી છેતરપિંડી

વલસાડઃ જિલ્લામાં નવરાત્રિ શરુ થતાં જ ભેજાબાજો સક્રિય થયા છે. પહેલા જ નોરતે ડુપ્લિકેટ પાસ બનાવી ખેલૈયાઓને વેચી કમાણી કરી લીધી છે. જો કે, ખેલૈયાઓને નવરાત્રિ આયોજકો ડુપ્લિકેટ પાસ સાથે ઝડપતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પહેલા નોરતે જ આવી ઘટના બનતા ખેલૈયાઓ નિરાશ જોવા મળ્યા છે.

વલસાડના ગોકુલ ગ્રુપના સિઝન પાસનું ડુપ્લિકેશન કરી વલસાડના ભેજાબાજે ખેલૈયાઓને 100 રૂપિયા ઓછા ભાવમાં વેચી દીધા હતા. જો કે, આ પાસ લઈ ખેલૈયાઓ નવરાત્રિમાં ગરબે રમવા જતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આયોજકોએ પાસ ચેક કરતા ડુપ્લિકેટ પાસ હોવાનું જાણીને ચોંકી ઉઠ્યા હતા.

આ બાબતે આયોજકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખેલૈયાઓએ ઓનલાઇન ટ્રાન્જેકશન કરી પાસ લીધા હતા. જેને આધારે ડુપ્લિકેટ પાસ બનાવનાર ભેજાબાજને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. આયોજકોએ ખેલૈયાઓ અને નવરાત્રિમાં આવતા લોકોને આવા તત્વોથી બચવા અપીલ કરી હતી.