January 25, 2025

ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર: વજુભાઈ વાળાએ Rajkot Police, RMC અને GEBનો ઉધડો લીધો

Rajkot Game Zone Tragedy: રાજકોટમાં આવેલા TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગી હતી અને તેમાં અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત નીપજ્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ ‘રોષ વ્યક્ત કરતા કહ્યું કે, આ જે ઘટના બની એ ખરેખર તો જે ત્રણેય ડિપાર્ટમેન્ટ કે જેની પરવાનગી લેવાની હોય તે ત્રણેય ડિપાર્ટમેન્ટની બેદરકારીના કારણે આ બનાવ બનેલ છે, એ સ્પષ્ટ વાત છે. આ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં વજુભાઇ વાળાએ રાજકોટ કોર્પોરેશનને જવાબદાર ગણાવ્યું સાથે સાથે વજુભાઇ વાળાએ GEB અને રાજકોટ પોલીસ પણ આ ઘટનામાં જવાબદાર ગણાવ્યાં હતા.

વજુભાઇ વાળે જણાવ્યું કે, જો હું અધિકારી હોત તો અગાઉથી જ પગલા લઉ. મારા ટાઇમે સ્પષ્ટ હતું કે, કોઇ પણ જગ્યાએ ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોય તો મેયરની ઓફિસમાં બપોરે 4 વાગ્યા થી 6 વાગ્યા સુધીમાં રૂબરૂ આવી મને જાણ કરજો. હું તે પ્રવૃતિ બંધ કરાવીશ અને મેં લગભગ બધી જ પ્રવૃતિ બંધ કરાવી છે. વધુમાં તેમણે ક્હ્યું કે, મારા વખતે આવો કોઇ પણ અણબનાવ બનેલ નથી.

ત્રણેય ડિપાર્ટમેન્ટ સામે કડક પગલા લેવા જોઇએ: વજુભાઇ વાળા
વધુમાં વજુભાઇ વાળાએ કહ્યું કે, ખરેખર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી છે જ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જેને પરવાનગી નથી આપી તેને રાજકોટ પોલીસે પરવાનગી આપી તે પોલીસ ખાતાની પણ બેદરકારી છે અને GEBએ પાવરનું કનેક્શન જેમાં કોર્પોરેશનની પરવાનગી ન હોય, પોલીસની પરવાનગી ન હોય તેમ છતાં GEB પાવર આપે તો તે ઇનલીગલ છે. હું તો એમ જ કહું છું કે, જેણે પણ આમને પરવાનગી આપી છે જેને કોર્પોરેશનએ પરવાનગી નથી આપી છે છતાં રાજકોટ પોલીસે પરવાનીગી આપી છે તે ગરેકાયદેસર છે. GEBએ કનેક્શન આપ્યું તે પણ ગેરકાયદેસર છે અને આટલા ટાઇમથી આ ગેમ ઝોનની પ્રક્રિયા ચાલતી હતી અને કોર્પોરેશને આંખ આડા કાન કર્યાં છે તે પણ તેની બેદરકારી છે. વધુમાં કહ્યું કે, આ ઘટના મામલે ત્રણેય ડિપાર્ટમેન્ટ જવાબદાર છે અને આ ત્રણેય ડિપાર્ટમેન્ટ સામે કડક પગલા લેવા જોઇએ.

આ પણ વાંચો: રાજકોટના ગેમઝોનમાં મોતના તાંડવને 24 કલાક પૂરા, 32 મોત; જાણો A to Z

‘જે લોકો પોતાની ફરજ ચૂકે છે તેની સામે કડક પગલા લેવા જોઇએ’
વધુમાં વજુભાઇ વાળાએ કહ્યું કે, આ ઘટના ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. જે બનવાનું હતું તે બની ગયું, પરંતુ આ ઘટનામાંથી શીખ લઇ ભવિષ્યમાં આવા કોઇ પણ બનાવ ન બને અને ગેરકાયદેસર પ્રવૃતિઓ કોઇ પણ ઝોનની હોય, તે પછી ગેમ ઝોન હોય કે ફૂડ ઝોન હોય ગમે ત્યાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવી જોઇએ તે કોર્પોરેશન, પોલીસ અને GEBનું કર્તવ્ય છે અને જે લોકો પોતાની ફરજ ચૂકે છે તેની સામે કડક પગલા લેવા જોઇએ. હું સ્પષ્ટ માનું છે કે ભવિષ્યમાં આવો કોઇ બનાવ ન બને તે માટે ગેરકાયદેસર પ્રવૃતિ કરનારને સખત પગલા લેવા જોઇએ.

વધુમાં વજુભાઇ વાળાએ સ્પષ્ટ કહ્યું કે, આ પાપીઓને સજા આપવી એ કોર્ટનું કામ છે, પણ કોર્ટે આ લોકોને વધુમાં વધુ સજા આપવી જોઇએ. કોઇપણ માણસના દુષ્કૃત્યોના કારણે જો આટલા માનવજીવોને હણી નાખતા હોય તો કોર્ટે આ લોકો સામે કોઇ દયા રાખવાની જરૂર નથી. વધુમાં કહ્યું કે આ દુર્ઘટના મામલે તપાસમાં કોઇ જવાબદાર અધિકારી નીકળે તો તે અધિકારીઓ સામે પણ સખ્ત કાર્યવાહી કરવી જોઇએ અને કોઇને પણ ન છોડવા જોઇએ.