January 23, 2025

પાલનપુરમાં વહીવંચા બારોટોએ પૌરાણિક વહિપોથીનું કર્યુ પુજન

પાલનપુર: શહેરમાં આજે કુશવાહ ડાભી જાગીરદાર દરબાર સમાજ દ્વારા ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંચા બારોટ-રાવજીઓ ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં ચોપડાઓમાં શ્રીરામ લલ્લા પ્રતિષ્ઠા મહોત્સવ લેખ લખાવી બારોટજીની પવિત્ર વહિપોથીનું પુજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં વસતા શ્રીરામ ભગવાનના પુત્ર કુશ વંશજોએ સરસ્વતી અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું ઐતિહાસિક કામ કરાયું હતું.

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ હજારો સાધુ સંતોની ઉપસ્થિતમાં શ્રીરામ મંદિરની શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરી રામલલ્લાને મંદિરમાં બિરાજમાન કરાયા હતા. તે શુભ ઘડીનો સાક્ષી સમગ્ર દેશ રહ્યો હતો ,જોકે વર્ષોથી ઇતિહાસને પોતાની વહીપોથીમાં સાચવાનું કામ કરતા વહીવંચા બારોટોના પવિત્ર પૌરાણિક વહીપોથી ચોપડાઓઓમાં આ ઐતિહાસિક ઘટના લખાય અને તે હજારો વર્ષ સુધી વંચાય તે માટે વંશાવલી સંરક્ષણ એવમ સર્વધન સંસ્થા તેમજ બનાસકાંઠામાં વસતા પ્રભુ શ્રીરામના પુત્ર કૃશના વંશજોએ નિર્ધાર કર્યો.આજે પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંચા બારોટ-રાવજીઓને આમંત્રિત કરાયા હતા, જ્યાં ગુજરાત અને રાજસ્થાનમાં વસતા અને સદીઓથી વંશાવલી લખવાનું કામ કરતા બરોટજીઓ પોતાની પાસે રહેલા અને વર્ષોથી ઇતિહાસ સાચવીને રખાયેલ પૌરાણિક વહીપોથીઓ લઈને આવ્યા હતા. જ્યાં અનંત શ્રી વિભુષિત શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર સ્વામીશ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ, પ.પૂ. મહંત શ્રી સુખદેવાનંદજી મહારાજ સહિત સાધુ ,સંતો તેમજ ભગવાન શ્રીરામના પુત્ર કૃશના વંશજો તેમજ બનાસકાંઠાના રાજપરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બારોટજીઓએ તેમના વહીપોથી ચોપડાઓ ખોલીને તેનું પૂજન કર્યું હતું. તેમજ ત્યાર બાદ 251 બરોટજીઓએ એકસાથે તેમના ચોપડાઓમાં અયોધ્યામાં થયેલ 22મી જાન્યુઆરીએ થયેલ ભગવાન શ્રીરામની ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠાનો લેખ લખ્યો હતો.

આ ઐતિહાસિક લેખના સાક્ષી તરીકે સમસ્ત અગિયાર ગામ કુશવાહ ડાભી જાગીરદાર દરબાર સમાજનું નામ સાક્ષી તરીકે અંકિત કર્યું હતું. જેના પ્રત્યક્ષ સાક્ષીઓ સાધુ સંતો બન્યા હતા. જે બાદ બરોટજીઓએ પોતાની વહીપોથીનું પૂજન કર્યું હતું. જેને લઈને ભગવાનશ્રી રામના પુત્ર કુશના વંશજો અને બારોટ-રાવજીઓએ માં સરસ્વતી અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાત અને રાજસ્થાનમાં વસતા બારોટો વર્ષોથી અનેક રાજા રજવાડા અને ભગવાનશ્રી રામની વંશાવલી સંઘરીને ઈતિહાસને ઉજાગર કરવા. આ સાથે તેને સંઘરી રાખવાનું ભગીરથ કાર્ય પણ કરી રહ્યા છે, ત્યારે આજે એક સાથે 251 બારોટજીઓની વહીપોથીમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો લેખ લખતા એક નવો ઇતિહાસ રચાયો હતો.