વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદની સ્વામીઓને ચેતવણી – દેવી-દેવતાઓ અંગે ટિપ્પણી ન…

ખેડાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં દ્વારકાધીશ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે વડતાલ લક્ષ્મીનારાય દેવ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ છે કે, સાધુઓએ અન્ય દેવી-દેવતાઓ અંગે ટિપ્પણી કરવી જોઈએ નહીં.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આ પ્રકારની વાતો ધર્મમાં ફાંટા કરે છે. શ્રીજી મહારાજે શિવરાત્રી-જન્માષ્ટમી ઉજવવાનું કહ્યું છે. સંપ્રદાયનો આચરણ હિંદુ ધર્મના મૂળ સનાતનની રીતનો છે. દાન થકી કમાણીના આશયથી મંદિરો તાણી બાંધનારા સંપ્રદાયના લોકોને સ્પષ્ટ આદેશ કર્યો છે.
તેમણે કહ્યુ છે કે, પ્રાઇવેટ મંદિર બાંધી મોટા થવાનો કેટલાક સાધુ અને હરિભક્તોમાં મોહ છે. કેટલાક સંતો દ્વારા શ્રીજી મહારાજે આપેલા મંત્ર બદલી નાંખવાનું પણ કૃત્ય કર્યું છે. કેટલાક લોકોએ શ્રીકૃષ્ણનું હરિકૃષ્ણ કરી મંત્ર બદલી નાંખ્યા છે. આપણે રોજ કોઈ દેવી-દેવતા પર શાબ્દિક હુમલા કરીએ તો કલેશ થાય તે વાત સાચી છે. એટલે તમામ લોકોએ માપે માપે રહેવું જોઈએ.
તેમણે આગળ જણાવ્યુ કે, જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવ, આપણા પરમહંસોની ખુમારી હોય એમ અન્ય ધર્મો પ્રત્યેની ખુમારી અને દ્રઢતા તેમના ભક્તોને પણ હોય તેની પણ સમાનતાપૂર્વક આપણે ધ્યાન રાખવું જોઈએ.