વડોદરામાં નજીવી બાબતે પાડોશીની હત્યા, ખાડકૂવો ભરાઈ જતા છેલ્લા 7 દિવસથી ચાલતો હતો ઝઘડો

વડોદરાઃ શહેરમાંથી વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લક્ષ્મીપુરા વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીની હત્યા કરવામાં આવી છે. બે પાડોશી વચ્ચે મારામારી થતા પાડોશીએ અન્ય પાડોશીને મોતને ઘાટ ઉતાર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, લક્ષ્મીપુરામાં ભૈસાસુર નગરમાં પિયુષ રાઠોડની હત્યા કરવામાં આવી છે. ખાડકૂવો ભરાઈ જતા છેલ્લા 7 દિવસથી આ મામલે બંને પાડોશીઓ વચ્ચે ઝઘડો ચાલતો હતો. ત્યારે ખાડકૂવો ભરાઈ જવા અંગે પાડોશમાં રહેતા પિયુષને જાણ કરવા ગયા હતા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

પાડોશમાં રહેતા યુવક અને તેના બનેવીએ પિયુષ રાઠોડને ઘરમાં ખેંચી જઈને ઢોરમાર માર્યો હતો. ત્યારે ઢોરમાર મારતા પિયુષનું મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.