December 26, 2024

SSG હોસ્પિટલની ગંભીર બેદરકારી, કોલ્ડ રૂમમાં એક બેરેકમાં બે મૃતદેહ મૂક્યાં!

દર્શન ચૌધરી, વડોદરાઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલની મોર્ચેરી એટલે કોલ્ડ રૂમમાં એક બેરેકમાં બે મૃતદેહો રાખવાના અને મૃતદેહ આખી રાત કોલ્ડ રૂમના બેરેક બહાર મૂકી રાખવાના વીડિયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં 6માંથી 3 યુનિટ બંધ હાલતમાં જ્યારે 3 યુનિટ ચાલુ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને એક જ બેરેકમાં બે મૃતદેહો સાચવવા માટે મૂકવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. તેમજ બેરેક બહાર શવ મૂકવામાં આવતા એસએસજી હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. આ અગાઉ પણ કોલ્ડરૂમની બેરેકમાં 2 શવ મૂકવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ હિટવેવથી મોતના આંકડા વધ્યાં, સુરત સ્મશાન ગૃહમાં દરરોજ 18નાં અંતિમ સંસ્કાર

સામાન્ય રીતે એક બેરેકમાં એક જ મૃતદેહ રાખવામાં આવતો હોય છે. M-6 બેરેક પ્રમાણે 36 શવ મૂકવાની ક્ષમતા હોય છે. ત્યારે એસએસજી હોસ્પિટલમાં 6માંથી 3 યુનિટ ચાલુ હાલતમાં છે. જ્યારે અન્ય 3 બંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે, આજરોજ હોસ્પિટલમાં વીજળી ગુલ થઈ હતી અને સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવેલા જનરેટર શોભાના ગાંઠિયા સમાન છે. વ્યવસ્થા હોવા છતાં તેની યોગ્ય જાળવણીમાં એસએસજી હોસ્પિટલનું તંત્ર ઉણું ઉતર્યું હોવાનું આ કિસ્સા પરથી ફલિત થવા પામે છે. હોસ્પિટલના ઓલ્ડ સ્ટોરેજ રૂમમાં મૃતદેહ માટે જગ્યાના મળતા આખી રાત ઓલ્ડ સ્ટોરેજ રૂમની દરેક બહાર મૂકી રાખવામાં આવ્યા હતા. તેનો વીડિયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમીમાં એસ.એસ.જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતાંની સાથે જ સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવેલા જનરેટર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે. તેમજ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ છે. આ અગાઉ પણ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજીમાં કોલ્ડ સ્ટોરેજ રૂમની બેદરકારી સામે આવી હતી.