December 27, 2024

વાલીઓ માટે ચેતવણીરૂપ Video: વડોદરામાં ચાલુ સ્કૂલવાનમાંથી પટકાઈ બે વિદ્યાર્થિનીઓ

વડોદરાઃ દરેક શહેરમાં સ્કૂલવાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હોય છે અને ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ હોય છે. ત્યારે વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. તેમાં ચાલુ સ્કૂલવાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પટકાઈ હતી. રસ્તા પર પટકાવવાથી બાળકીઓ ઇજાગ્રસ્ત પણ થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા છે.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે વાન ચાલી રહી છે અને અચાનક જ તેમાંથી બે વિદ્યાર્થિનીઓ વાનના પાછળના દરવાજેથી બે વિદ્યાર્થિનીઓ રોડ પર પટકાઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી હતી અને ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ હવે RTOએ સ્કૂલવાન ચાલકોને 45 દિવસનો સમય આપ્યો છે. ત્યારે પહેલા જ અઠવાડિયામાં આ પ્રકારની ઘટના સામે આવી છે.

વિરોધ પક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, ‘શાળા સંચાલકોએ 45 દિવસનો સમય માગ્યો અને સરકારે આપ્યો છે. સ્કૂલના બાળકો વાનમાં આવે છે, ત્યારે સંચાલકો સાથે ટાઇઅપ હોય છે. એક વાનમાં 20-20 છોકરાઓ બેસાડવામાં આવે છે. એડવાઇઝરી આપ્યા પછી પણ આઠથી વધુ બાળકો ન હોવા જોઈએ. આમાં પેરેન્ટ્સ અને સંચાલકો બંનેનો વાંક છે. સરકારે કડક વલણ અપનાવવું જોઈએ.’