વડોદરામાં રાજીનામાની વણઝાર! 15 સરપંચોએ સામુહિક રાજીનામુ ધર્યું
વડોદરાઃ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે, ત્યાં વડોદરાની લોકસભા બેઠકના મતવિસ્તારમાં કોકડું ગૂંચવાયું છે. ત્યાં સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપી દીધું છે. જેને લઈને વહેલી સવારથી જ જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો છે. ત્યારે હવે 15 જેટલા સરપંચે સામુહિક રાજીનામુ ધરી દીધું છે. તાલુકામાં આવતા 15 જેટલા ગામના સરપંચોએ સામુહિક રાજીનામુ ધરી દીધું છે. તેમણે ‘કેતનભાઈ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના નારા સાથે ધારાસભ્ય કેતન ઇનામદારને ટેકો જાહેર કર્યો છે અને તેમના સપોર્ટમાં રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, સાવલી તાલુકાના સરપંચોએ ‘કેતનભાઈ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના નારા સાથે ધારાસભ્ય કેતન ઇનામદારને ટેકો જાહેર કર્યો છે અને તેમના સપોર્ટમાં રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે.
સાવલીના ધારાસભ્યનું રાજીનામુ
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું છે. મોડી રાતે વિધાનસભા અધ્યક્ષને રાજીનામાનો ઇમેઇલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેતન ઈમાનદારે રાજીનામું આપ્યું હતું. ચાર વર્ષ પહેલાં પણ જનતાના હિતના કાર્યો ન થતા હોવાથી રાજીનામુ આપ્યું હતું. તેમની સરકારમાં જ તેમના કામ ન થતા હોવાના આક્ષેપથી રાજીનામું આપ્યું હતું. બાદમાં સમજાવટ અને કામ કામો થવાની બાંહેધરી બાદ રાજીનામુ પરત ખેંચ્યું હતું.
કેમ રાજીનામુ આપ્યું?
કેતન ઇનામદારે રાજીનામાના પત્રમાં લખ્યુ છે કે, તેમના મતવિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માગણીઓ સંદર્ભે સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે અને ઉદાસીનતાના કારણે સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. આ ઉપરાંત તેમના હોદ્દાની પણ અવગણના કરવામાં આવે છે. મારી અવગણના એટલે મારા મતક્ષેત્રના પ્રજાજનોની અવગણના. તેથી ભારે હૃદયે, નાછુટકે રાજીનામુ આપું છું.
કોણ છે કેતન ઇનામદાર?
કેતન ઇમાનદાર તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. વડોદરા ડેરી વિરુદ્ધ મોરચાને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ ટિકિટ આપી નહોતી અને તેમાં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. કેતન ઇમાનદાર અત્યાર સુધીમાં 3 વખત રાજીનામુ આપી ચૂક્યા છે. 2020, 2022, 2024માં ઈનામદારે MLA પદ પરથી રાજીનામુ આપ્યું હતું. 2017 અને 2022માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2010માં ધનતેજ જિલ્લા પંચાયત બેઠકમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.