December 19, 2024

વડોદરા રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપનારા આરોપીની ધરપકડ

vadodara railway station bomb blast threat accused arrested

આરોપીની તસવીર

વડોદરાઃ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રેલવે LCBએ નવસારીના વેસ્મા ગામની ચોકડી પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશનો શ્યામજી ઉર્ફે ખંજુ સૂરજ બલી યાદવ ઝડપાયો છે. હાલ આરોપી સુરતના પાંડેસરા નાકાના ફૂટપાથ પર રહે છે. આરોપીએ સુરતથી વલસાડ કંટ્રોલ રૂમ પર ફોન કરીને ધમકી આપી હતી.

વલસાડ રેલવે પોલીસને ધમકીભર્યો ફોન આપ્યો હતો
વલસાડ રેલવે પોલીસ કંટ્રોલરૂમને ટીખળખોરે ફોન કરીને વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. ફોન કરનારા વ્યક્તિએ પાકિસ્તાનથી ISI એજન્ટ બોલું છું તેમ કહીને પોલીસને ઓળખ આપી હતી. રેલવે પોલીસને ધમકીભર્યો કોલ આવતા વડોદરા રેલવે સ્ટેશન પર ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા SOG, LCB, RPF, રેલવે પોલીસ સહિત વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત ધમકીભર્યો ફોન કરનારા અજાણ્યા શખસ સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વડોદરા પોલીસે ચેંકિગ હાથ ધર્યુ હતુ
વડોદરા રેલવે સ્ટેશન મુસાફરોથી ધમધમતું રહે છે. મધ્ય ગુજરાતનું એક મહત્વનું રેલવે સ્ટેશન ગણાય છે. ત્યારે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા પોલીસ સહિત અન્ય એજન્સીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કામગીરી ચાલુ કરી દીધી છે.