વડોદરા પોલીસની કડક કાર્યવાહી, 9 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
વડોદરાઃ નવા વર્ષના પહેલા જ દિવસે વડોદરા પોલીસની મોટી કાર્યવાહી કરી છે. વડોદરા પોલીસે 9 આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી આરોપીઓ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ચલાવતા હતા.
આરોપીઓ સામે શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ હતી. આ ઉપરાંત આરોપીઓ વિરૂદ્ધ અનેક ફરિયાદો નોંધાઈ હતી. આરોપીઓમાં હુસેનમિયા સુન્ની વિરૂદ્ધ 69 ગુના નોંધાયા હતા, અકબર સુન્ની વિરૂદ્ધ 30, વસીમ ખાન પઠાણ વિરૂદ્ધ 19 ગુના નોંધાયા હતા. આ સિવાય સિકંદર સુન્ની વિરૂદ્ધ 22 ગુના નોંધાયા હતા.
તમામ આરોપીઓ પર હત્યાનો પ્રયાસ, ચોરી, ભયનો માહોલ ઉભો કરી લોકોનું આર્થિક શોષણ કરતા હોવાના આરોપ લાગ્યા હતા. આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ છે કે, ‘શહેર પોલીસ શહેરીજનોની સુરક્ષા માટે એકદમ તૈયાર છે. કોઈપણ પ્રકારના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ શહેરમાં નહીં ચલાવી લેવામાં આવે. શહેરીજનોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.’