વડોદરામાં કાસમઆલા ગેંગના પાંચ સાગરીત ઝડપાયા, 12 દિવસના રિમાન્ડ મંજૂર
વડોદરાઃ પોલીસે શહેરમાં આતંક ફેલાવતી કાસમઆલા ગેંગના પાંચ સાગરીતોને ઝડપી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પાંચેય સાગરીતોને ઝડપી તેમને 12 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ ગેંગે છેલ્લા 10 વર્ષમાં 164 ગુનાઓને અંજામ આપ્યા હતા.
પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખંડણીનો ભોગ બનનારાઓના નામોની ખાસ ડાયરી ગેંગે છુપાવી રાખી હતી. આ ડાયરી સૌરાષ્ટ્રમાં એક ઓળખીતાના ઘરમાં અનાજની કોઠીમાં છુપાવી રાખી હતી.
કારેલીબાગના કિસ્સાથી શરૂ થયેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. કારેલીબાગ વિસ્તારમાં એક યુવકને આંતરીને ખંડણી માગવામાં આવી હતી. આ મામલે ગેંગના સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસમાં ખબર પડી કે, ગેંગે ગુનામાં ઉપયોગ કરેલા હથિયાર વિરમગામ નજીકથી મળ્યા હતા. કેટલાક પુરાવા એક ગામડામાં જુના મકાન પાછળ ખાડો ખોદીને દાટી દીધા હતા.
રિવોલ્વર ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના મૌલાના ચોકમાંથી રિવોલ્વર ખરીદી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ડાયરી અને હથિયાર કબ્જે કરવા માટે કાર્યવાહી ચાલુ છે. ડાયરી કબ્જે થયા બાદ અન્ય ગુનાઓનાં પણ ભેદ ઉકેલાઈ શકે છે.