વડોદરામાં બે કોમ વચ્ચે પથ્થરમારો, 11 લોકોની ધરપકડ
વડોદરાઃ શહેરમાં અવારનવાર કોમી રમખાણ થતા હોય છે. ત્યારે નવાપુરા પોલીસ મથક સામે જ કોમી છમકલું થયું હોવાની ઘટના સામે આવી છે. બે કોમનાં ટોળાં સામસામે આવી જતાં પથ્થરમારો કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવા બાબતે વિવાદ સર્જાયો હતો અને તેના પરિણામે બંને કોમ સામસામે આવી ગઈ હતી અને પથ્થરમારો કર્યો હતો. આ મામલે ડીસીપી અભય સોનીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘જતીન પટેલ નામના મોબાઈલ વેચનારા શખ્સે ઈન્સ્ટાગ્રામ પર ઓફર માટે લાઈવ કર્યું હતું. ઓફર આપતી વખતે તે જય શ્રી રામ બોલ્યો હતો. જેમાં પાદરાના એક વિધર્મી શખ્સે અભદ્ર કોમેન્ટ કરી હતી.’
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘ગત રાત્રીએ આરોપીને લાવ્યા બાદ મામલો ગરમાયો હતો. બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ મામલે 40થી 50 લોકોનાં ટોળાં સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાદરાના શાહિદ પટેલની ધરપકડ કરવામાં આવી છે.’
હાલ આ મામલે પાદરાના શાહિદ પટેલ સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની હાજરી વખતે જ પથ્થરમારો થયો હતો. હાલ પોલીસે અન્ય લોકોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત લોકો ફેક આઈડી પરથી આવતી કોમેન્ટ પર ભડકે નહીં તેવી અપીલ કરી છે.