July 2, 2024

Vadodara કોર્પોરેશનના પ્રિ-મોન્સૂનના દાવા પોકળ, હજુ સુધી કામ અધૂરાં

દર્શન ચૌધરી, વડોદરાઃ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂનના દાવા પોકળ સાબિત થયા છે. કોર્પોરેશને 31 મે સુધી પ્રિ-મોન્સુનની કામગીરી પૂરી થવાનો દાવો કર્યો હતો. પરંતુ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂનની કામગીરી હજી સુધી અધૂરી છે.

શહેરમાં આજે પણ વરસાદી કાંસ, ડ્રેનેજ, વરસાદી ચેમ્બર હજી સુધી સાફ નથી કરવામાં આવ્યા. કોર્પોરેશનના કોન્ટ્રકટર હજી પણ રોડ પર ખાડા ખોદી રહ્યા છે. ખોદેલા રોડને હજી સુધી સેફ સ્ટેજમાં નથી લઈ જવામાં આવ્યા. ત્યારે જો અચાનક વરસાદ આવી જાય અને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેને લઈને મોટા સવાલો થઈ રહ્યા છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કહ્યુ હતુ કે, કોર્પોરેશનની કામગીરી માત્ર કાગળ પર છે. નીચાણવાળા વિસ્તારમાં આ વર્ષે પણ પાણી ભરાશે.

આ સમગ્ર મામલે વિપક્ષ નેતા અમીબેન રાવતે કહ્યુ કે, ‘કોર્પોરેશન માત્ર દેખાડા પૂરતી કામગીરી કરે છે. જેને લીધે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જો આગામી સમયમાં કોઈ પણ નાગરિકને કોર્પોરેશનના પાપે કંઈ પણ થશે તો અમે આગળ કાર્યવાહી કરીશું.’

અધૂરી પ્રિ-મોન્સૂન કામગીરીના પગલે ચેરમેન શીતલ મિસ્ત્રીએ કહ્યું કે, ‘પ્રિ-મોન્સૂનની 80 ટકા કામગીરી શહેરમાં પૂર્ણ થઈ ચૂકી છે. કામગીરી પૂર્ણ કરવા માટે તમામ અધિકારીઓને કડક નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. જ્યાં પણ કામગીરી હજુ અધૂરી હશે તો તે તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.’