MSUમાં ભણતી બાંગ્લાદેશની વિદ્યાર્થિનીનો આપઘાત, ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરાઃ શહેરમાં 20 વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ વિદ્યાર્થિની નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા ખાતે રહેતી હતી. MSUની ફાર્મસી ફેકલ્ટીના પહેલા વર્ષમાં આ વિદ્યાર્થિની ભણતી હતી.
વિદ્યાર્થિની ગતરોજ આશરે રાત્રે 10.15 પોતાના રૂમમાં ગઈ હતી. સપ્ટેમ્બર મહિનામાં અભ્યાસ અર્થે બાંગ્લાદેશથી ભારત આવી હતી. પરીક્ષામાં હાજર નહીં રહેતા સહવિદ્યાર્થિની ભાળ મેળવવા રૂમ પર પહોંચતા સમગ્ર મામલે ખુલાસો થયો હતો. રૂમનો દરવાજો અંદરથી બંધ જણાતા દરવાજો તોડવો પડ્યો હતો. વિદ્યાર્થિનીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે તલાશી લેતા સુસાઇડ નોટ મળી આવી હતી. ચિઠ્ઠીમાં કોઈના ઉપર આક્ષેપ કે દબાણનો ઉલ્લેખ નહીં કરવામાં આવ્યો. મૃતક મોહોના મેન્ડોર ભણવામાં તેજસ્વી હતી. 12 સાયન્સમાં 90 ટકા માર્ક્સ મેળવ્યા હતા. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પીએમની તજવીજ હાથ ધરી છે.