MS યુનિવર્સિટી રામભરોસે! CCTV બંધ હાલતમાં, વિદ્યાર્થીઓએ ઉઠાવ્યા સવાલ
પ્રશાંત ગજ્જર, વડોદરાઃ ગુજરાતની ટોપ 10 યુનિવર્સિટીમાં આવતી અને નેક A+ રેન્ક ધરાવતી એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર થ્રી લેયર સિક્યોરિટીમાં બેસી વહીવટ કરે છે પણ વિધાર્થીઓની સુરક્ષા માટે તેમણે કોઈ ચિંતા નથી, જેને લઈ વિવાદ થયો છે.
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી કેમ્પસમાં આવે છે. છતાં તમામની સુરક્ષા રામ ભરોસે છે. યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા 250 સીસીટીવી કેમેરામાંથી 200 સીસીટીવી બંધ હાલતમાં છે. માત્ર 50 સીસીટીવી કેમેરા ચાલુ છે, જેને લઈ યુનિવર્સિટીમાં ભણતા વિધાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.
યુનિવર્સિટીમાં અવારનવાર બહારથી અસામાજિક તત્વો આવી માથાકૂટ કરે છે. તેમજ વિદ્યાર્થિનીઓની છેડતીની પણ ઘટનાઓ બને છે, તેમ છતાં યુનિવર્સિટી સત્તાધીશોની ઊંઘ નથી ઉડી રહી. યુનિવર્સિટીમાં મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે, તો કેટલાક સીસીટીવી નીચે નમી ગયા છે. કેટલાક સીસીટીવી વૃક્ષની ડાળીઓમાં સંતાઈ ગયા છે. ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટીના PRO હિતેશ રાવિયાએ કહ્યું કે, બંધ સીસીટીવી કેમેરા ચાલુ કરાવવાની કાર્યવાહી ચાલુ છે. દરેક ફેકલ્ટીમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે. કેમેરા રિપેર કરાવવાની જવાબદારી જે તે ફેકલ્ટીના ડીનની છે.
યુનિવર્સિટીના હેડ ઓફિસમાં વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર સહિત ઉચ્ચ અધિકારીઓ થ્રી લેયર સિક્યોરિટીમાં બેસે છે. તેમજ હેડ ઓફિસના સીસીટીવી કેમેરા પણ કાર્યરત છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા કરતાં યુનિવર્સિટી સત્તાધીશોને પોતાની સુરક્ષાની વધુ ચિંતા હોય તેમ લાગી રહ્યું છે.