December 17, 2024

ઉત્તરાયણ પૂર્વે કરૂણાંતિકા, પતંગ લૂંટવાની લ્હાયમાં બાળક તળાવમાં ખાબક્યો

વડોદરાઃ ઉતરાયણ પર્વ પૂર્વે માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પતંગ લૂંટવા દોડી રહેલા નવ વર્ષીય બાળક તળાવમાં ડૂબતા કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ કાફલો સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા તળાવના કિનારા પર પતંગ લૂંટવાની લ્હાયમાં દોડી રહેલો બાળક તળાવમાં ખાબકી ગયો હતો. ત્યારે બાળકના ચંપલ તળાવના કિનારા પરથી મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ સહિત છાણી ટીપી 13ની ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

નવ વર્ષીય બાળક સુભાનપુરા વિસ્તારમાં સ્લમ ક્વાર્ટરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે સુભાનપુરા તળાવ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.