ભગવાન શિવનું જન્મસ્થાન ગણાતું કાયાવરોહણ, શિવલિંગ સાથે લકુલીશજીની મૂર્તિની પૂજા
વિવેક ચુડાસમા, અમદાવાદઃ શ્રાવણ મહિનાનો ચૌદમો દિવસ અને આજે શિવાલય યાત્રા પહોંચી ગઈ છે વડોદરા શહેરથી 32 કિલોમીટર દૂર આવેલા ગુજરાતના કાશી તરીકે ઓળખાતા કાયાવરોહણ ગામે. સમગ્ર દેશમાં આ મંદિરમાં આવેલું શિવલિંગ એકમાત્ર છે કે જ્યાં શિવલિંગ સાથે લકુલીશ ભગવાનની મૂર્તિ જોડાયેલી છે. એવી માન્યતા છે કે, કાયાવરોહણની આ ધરતી પરથી સ્વર્ગનો રસ્તો પસાર થાય છે. એવું કહેવાય છે કે, કાયાવરોહણની ધરતી પર જે વ્યક્તિ મૃત્યુ પામે છે કે જન્મે છે તેને સીધું જ સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ સમગ્ર ઇતિહાસ…
શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, સ્વયં ભગવાન શિવજીએ અહીં માનવ અવતાર ધારણ કર્યો હતો. આ સ્થળનું મહત્વ કાશી જેટલું જ છે. યોગેશ્વર લકુલીશજી મહર્ષિ વિશ્વામિત્રજી દ્વારા આ લિંગ સ્થાપવામાં આવ્યું હતું અને બ્રહ્મેશ્વરના લિંગ સાથે તેઓ એકાકાર થઈ ગયા હતા. મંદિરમાં આવેલા શિવલિંગ સાથે શંભવીમુદ્રામાં લકુલીશજીની મૂર્તિ જોડાયેલી છે. કહેવાય છે કે, અહીં ભગવાન શિવે લકુલીશ નામે માનવ અવતાર ધારણ કર્યો હતો. જેથી ભગવાનનું આ જન્મસ્થાન પણ કહેવાય છે. અહીં ભગવાન મુર્તિ અને લિંગ બંને સ્વરૂપે બિરાજમાન છે. અહીં ભગવાન લકુલીશજી લિગમાં જ્યોતિ બની સમાઈ ગયા હતા.
કૃપાલ્વાનંદજીને સ્વપ્ન આવ્યું અને સ્થાપ્યું મંદિર
કાયાવરોહણ ગામમાં ત્રીજી મે, 1974ના રોજ કૃપાલ્વાનંદજી મહારાજે લકુલીશ ભગવાનની સ્થાપના કરી હતી. શાસ્ત્રો પ્રમાણે કૃષ્ણાવતાર પછીના સમયે એટલે કે, 5200 વર્ષ પહેલાં શંકર ભગવાને લકુલીશજી નામથી માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું. લકુલીશને ભગવાન શંકરના 28મા અવતાર ગણવામાં આવે છે. કૃપાલ્વાનંદજી મહારાજના સ્વપ્નમાં ભગવાન લકુલીશ આવતા તેમણે મંદિરની સ્થાપના કરી હતી. આ તીર્થ 7000 વર્ષ જૂનું માનવામાં આવે છે.
ગાયત્રી મંત્રનો પ્રચાર અહીંથી શરૂ થયો હતો
એવી માન્યતા છે કે, કાયાવરોહણ ગામ સતયુગમાં ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરયુગમાં મેઘાવતી અને કળયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે. આ ગામની ગણના ભારતના 68 મહત્વનાં તીર્થસ્થાનોમાં થાય છે. જ્યાં જ્ઞાન, યોગ અને ભક્તિનો સંગમ થયો હતો. રામાવતાર સમયમાં મહર્ષિ વિશ્વામિત્રજીએ આ યાત્રા સ્થળને કાશીમાં પલટી નાખવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ ભગવાનની ઈચ્છા ન હોવાથી સફળતા મળી ન હતી. આમ છતાં તેનું મહત્વ કાશી જેવું જ છે. મહર્ષિ વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યું હતું. આ મંત્રથી ખૂબ જ સાચુ જ્ઞાન (તેજ) પ્રાપ્ત થાય છે. જેને ‘મેઘા’ કહે છે. તેથી તે સમયે આ સ્થળનું નામ મેઘાવતી પડ્યું હતું. આમ ગાયત્રી મંત્રનું ઉદ્ભવ સ્થાન પણ કાયાવરોહણ જ છે. અહીંથી જ ગાયત્રી મંત્રનો પ્રચાર થયો. દ્વાપરયુગના અંત પછી ભગવાન શ્રીલકુલીશ અહીં પ્રગટ થયા હતા અને ત્યારથી આ સ્થળ કાયાવરોહણ તરીકે ઓળખાવા લાગ્યું.
કેવી રીતે પહોંચી શકાય?
ગુજરાતના દરેક શહેરમાંથી સડક માર્ગે, રેલ માર્ગે અને હવાઈ માર્ગે વડોદરા પહોંચી શકાય છે. વડોદરા જવા માટે દરેક શહેરથી ખાનગી કે સરકારી બસની સુવિધા છે. ત્યારે વડોદરાથી ડભોઈ થઈને કાયાવરોહણ જવા માટે રિક્ષા, બસ કે ટેક્સીની સુવિધા મળી રહે છે.