September 19, 2024

વડોદરામાં પાણી ઓસરતા તારાજીનાં દૃશ્યો, ક્યાંક મૃતદેહ મળ્યો તો ક્યાંક વાહનોનો ખુરદો બોલ્યો

વડોદરાઃ શહેરને ભારે વરસાદે ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સમગ્ર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારને બાનમાં લીધું હતું. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તો વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરા શહેરમાં પાણી ઘૂસ્યા હતા.

હાલ વરસાદ બંધ છે. ત્યારે હવે પૂરનાં પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને તબાહીના વરવા દૃશ્યો સામે આવી રહ્યા છે. દુકાનોમાં માલસામાન પલળી ગયો છે. એકપર એક વાહનો ચડેલા જોવા મળે છે.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં આવેલા નટરાજ ટાઉનશિપ, ગરાસીયા મહોલ્લાનો વિસ્તાર હજુ પણ પાણીમાં છે. પરંતુ તેની નજીક પાણી ઉતરી રહ્યા છે તેની સ્થિતિ ચોંકાવનારી છે. વાહનોનો ખુરદો બોલી ગયો છે તો ક્યાંક ઘરવખરીને ભારે નુકશાન થયું છે. આ સાથે લોકો ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે.

આ સમગ્ર મામલે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે, ‘પૂર દરમિયાન વીતેલા ત્રણ દિવસ તેઓ ક્યારેય નહીં ભૂલી શકે. અમારી પડખે કોઈ જ આવ્યું નથી. અનાજ, ટીવી, ફ્રિઝ સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. સ્થાનિકો જીવ બચાવવા ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા છે. સ્થિતિ અચાનક એટલી વણસી ગઈ છે કે, લોકોને પાછળ વળીને જોવાનો પણ સમય મળ્યો નથી અને બધું જ છોડીને ભાગવું પડ્યું છે.’

આ ઉપરાંત તેઓ અફસોસ સાથે કહી રહ્યા છે કે, સમખાવા પૂરતો એકપણ નેતા તેમની વ્હારે આવ્યો નથી કે નથી તેમને કોઈ જમવાનું કે પાણી આપવા આવ્યું. લોકો ભગવાન ભરોસે ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા. હાલ લોકો અફસોસ સાથે ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે. ઘરમાંથી પાણી હજુ પણ ઓસરી નથી રહ્યા.