February 20, 2025

હરણી લેક બોટ દુર્ઘટના મામલે HCનો આદેશ – 4 હપ્તામાં મૃતક-ઇજાગ્રસ્તોને વળતર ચૂકવો

અમદાવાદઃ હરણી લેક બોટ દુર્ઘટના મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોટિયા પ્રોજેક્ટ્સને 4 હપ્તામાં ઇજાગ્રસ્તોને અને મૃતકોને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

25%નો પહેલો હપ્તો વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ 31 માર્ચ સુધીમાં જમા કરાવવાનો રહેશે. બાકીના 3 હપ્તા એક-એક મહિનાના અંતરમાં કલેક્ટર સમક્ષ જમા કરાવવાના રહેશે. સમગ્ર રકમ જમા થયા બાદ જિલ્લા કલેકટરે મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતરની રકમ ચૂકવી આપવાની રહેશે. અંદાજે એક કરોડ રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે.

કોર્ટે અવલોકન કરતા કહ્યુ છે કે, ભાગીદારોની આંતરિક તકરાર કોર્ટનો વિષય નથી. મોટર વ્હિકલ એક્ટની જોગવાઈ પ્રમાણે નક્કી કરાયેલું વળતર પ્રાથમિક રીતે સંપૂર્ણ વ્યાજબી છે. જીવ ગુમાવનારા દરેક બાળકની ક્ષમતા નાણાકીય રકમથી નક્કી થઈ શકે નહીં તેવું પણ પ્રાથમિક અવલોકન છે. મૃતક શિક્ષકના પરિવારજનો અને બાળકોને ધ્યાને લેતા તેમના પૂરતું વળતર પણ વ્યાજબી હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ છે.