December 23, 2024

ડભોઈના દેવડેમમાંથી પાણી છોડાતા 7 ગામમાં એલર્ટ, ખેતરમાં પાકને નુકસાન

ડભોઈઃ દેવડેમમાંથી 4200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દેવડેમમાંથી પાણી છોડાતા 7 ગામોને એલર્ટ કર્યા છે. નારાયણ પુરા, બંબોજ, દંગીવાડા સહિતના ગામોને અસર થઈ છે. બંબોજથી 3 ગામને જોડતો રસ્તો બંધ થયો છે. ડભોઈથી વાઘોડિયા જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. પાણી ઓસર્યાને હજી 10 દિવસ થયા ત્યાં ફરી પાણી આવી ગયું છે. ડાંગર, મરચી અને કપાસ જેવા પાકોને નુકસાન થયું છે.

વડોદરા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેને લઈને દેવડેમમાંથી વહેલી સવારે 4000 ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવ્યું હતું. જેની સીધી અસર ડભોઈ, વાઘોડિયા સહિતના ગામોને થઈ છે. ત્યારે ડભોઇ તાલુકાના સાત ગામોને પણ સીધી અસર પહોંચવા પામી છે. તેવામાં ડભોઇ તાલુકાના બંબોજ ગામથી ત્રણ ગામને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળતા હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં દંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા, બનૈયા, થુંવાવી સહિતના ગામોનો સમાવેશ થાય છે.

ખેતીના પાકોમાં પણ ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. હજી તો પાની ઓચરાને દસ દિવસ નથી થયા. તેવામાં ફરી એક વખત ઢાંઢાર અને દેવ નદીના પાણી આવી જતા ગ્રામજનો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.