December 22, 2024

ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને સાથે રાખી વિશ્વામિત્રીમાંથી સગીરાનો ફોન શોધશે

વડોદરાઃ ભાયલીમાં સગીરાના ગેંગરેપ મામલે SITની ટીમ આરોપીઓને લઈને વડસર વિશ્વામિત્રી બ્રિજ પર પહોંચી છે. આરોપીઓએ પીડિતાનો ફોન લૂંટીને વિશ્વામિત્રી નદીમાં ફેકી દીધો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. વડોદરા ફાયર બ્રિગેડની મદદથી પોલીસ નદીમાં ફોન શોધશે. આરોપીઓની સાથે રાખીને સગીરાનો ફોન શોધવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં મગરોના ખતરા વચ્ચે ફોન શોધવામાં આવશે.

આરોપીના ઘર પર બુલડોઝર ફેરવશે
ભાયલી દુષ્કર્મ મામલે હવે પાલિકા પણ મેદાનમાં આવી છે. દુષ્કર્મ આચરનારા બે આરોપીઓના ઘર પર પાલિકા બુલડોઝર ફેરવશે. પાલિકાએ તાંદલજાના એકતાનગરમાં રહેતા આરોપીના મકાન પર નોટિસ લગાવી છે. આરોપી આફતાબ અને મુન્ના બનજારાના ઘર પર નોટિસ લગાવી છે. જો ત્રણ દિવસમાં આ મકાન તેઓ જાતે તોડી નહીં નાંખે તો પાલિકા કાર્યવાહી કરી તોડી નાંખશે.

શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના વિશે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યુ છે કે, ‘પીડિતા પોતાના મિત્રને 11.30 વાગે રાત્રે મળી હતી. રાત્રે 12 વાગે બે બાઈક પર સવાર 5 લોકોએ જોયા હતા. પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી. 5માંથી 2 વ્યક્તિ નીકળી ગયા હતા. 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું, 1 યુવકે પીડિતાના મિત્રને પકડી રાખી હતી.’ ઉલ્લેખનીય છે કે, ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને જિલ્લા પોલીસ સાથે શહેર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.

સગીરા પીડિતા પરપ્રાંતીય છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની ઉંમર 30થી 35 વર્ષ હોવાનું પોલીસનું અનુમાન છે. જિલ્લા પોલીસ વડાએ કહ્યુ છે કે, આ કેસ પોલીસ માટે ખૂબ ચેલેન્જિંગ છે. પીડિતા ગરબા રમવા નથી ગઈ. તે નોર્મલ ડ્રેસમાં હતી, ચણિયાચોળી પહેર્યા નહોતા.’