December 22, 2024

વડોદરા: કંચનપુરા ગામે મહાકાય મગરનો કિશોરી પર હુમલો, મોતના મુખમાંથી બચી

વડોદરા: શહેરના માંજલપુરના કંચનપુરા ગામે રહેતી કિશોરી કુદરતી હાજતે ગયા બાદ પરત ફરી રહી હતી ત્યારે પાણીમાં છુપાઈને બેસેલા મહાકાય મગરે તેના ઉપર હુમલો કર્યો હતો અને એક પગ પકડી લીધો હતો, ભારે જહેમત બાદ કિશોરીને મગરના મોઢામાંથી છોડાવીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

માંજલપુર સૂર્યદર્શન ફાટક પાસે આવેલ કંચનપુરા ગામમાં પરિવાર સાથે 13 વર્ષીય સેજલબેન સમસુભાઈ ભાભોર રહે છે. બુધવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં સેજલબેન સાથે અન્ય ત્રણ કિશોરીઓ રેલવે ટ્રેકની સામેની બાજુ કુદરતી હાજતે ગઈ હતી. જ્યાંથી ત્રણેય પરત ફરી રહી હતી. જો કે સવારથી વરસેલા વરસાદને પગલે વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ત્યારે આ પાણીમાં નદીમાંથી બહાર આવેલ એક ૫.૫ ફૂટનો મહાકાય મગર છુપાઈને બેઠો હતો. તેવા સમયે સેજલબેન ત્યાંથી પસાર થતા મગરે તેને શિકાર સમજીને તેનો પગ પકડી લીધો હતો. જેથી તેને શોરબકોર મચાવી મૂકતા એક કિશોર ત્યાં ઉભી રહી હતી અને બીજી કિશોરી પરિવારના સભ્યોને બોલાવા માટે દોડી ગઈ હતી.

આ પણ વાંચો: સોમનાથ નેશનલ હાઈવે પર ST બસને નડ્યો અકસ્માત, બસ કંડક્ટરનું મોત

ઘટનાની જાણ થતાની સાથે જ પરિવારના સભ્યો સ્થળ ઉપર દોડી ગયા હતા. જેમાંથી ૩ થી ૪ વ્યક્તિએ કિશોરીને પકડી રાખી હતી અને અન્ય વ્યક્તિઓ મગરને પથ્થર મારવા લાગ્યા હતા. તેમ છતા પણ મગર કિશોરીને પગ છોડવા રાજી ન થયો. આખરે સ્થળ ઉપર હાજર વ્યક્તિઓએ બાળકીને ખેંચવાની શરૂ કરી અને મગરને કિનારા સુધી લઈ આવ્યા ત્યારે મગરે કિશોરીને પગ છોડ્યો અને પાણીમાં પરત જતો રહ્યો હતો. ત્યારબાદ કિશોરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

વૃક્ષની ડાળખી પકડી રાખતા જીવ બચી ગયો.
મગર કિશોરીનો પગ પકડીને તેને નદીમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે કિશોરી સૂઝબૂઝ વાપરીને બાજુમાં રહેલા વૃક્ષની ડાળી પકડી લીધી હતી. જેથી મગરે ઘણા પ્રયત્ન કર્યા કિશોરીને પાણીમાં લઈ જવાના પરંતુ કિશોરીએ વૃક્ષની ડાળી પકડી રાખી હોવાથી તેનો જીવ બચી જવા પામ્યો હતો.