December 23, 2024

નાગર બ્રાહ્મણોના કુળદેવતા ‘હાટકેશ્વર મહાદેવ’, ભક્તે તપશ્ચર્યા કરી ‘ને સ્વયંભૂ પ્રગટ્યા

વિવેક ચુડાસમા, અમદાવાદઃ શ્રાવણ મહિનાનો સોળમો દિવસ અને આજે આપણી શિવાલય યાત્રા પહોંચી ગઈ છે વડનગરમાં. વડનગર એટલે નાગર બ્રાહ્મણોનું ગામ. નાગરોના આ ગામમાં આવેલું છે તેમના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું પૌરાણિક શિવાલય. આ શિવાલય અંદાજે 2200 વર્ષ જૂનું માનવામાં આવે છે. ચાલો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે…

શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવ પ્રસન્ન થઈ વડનગરમાં બિરાજમાન થાય તે માટે ઘોર તપશ્ચર્યા કરી હતી. ભક્ત બોલાવે અને ભોળાનાથ આવે નહીં તેવું બને નહીં. ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રશન્ન થયા અને કહ્યું કે વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાના લિંગની સ્થાપના કરજે, હું સ્વયંભૂ પ્રગટ થઈશ. ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા હતા.

મંદિરનું સ્થાપત્ય અને કોતરણી અદ્ભુત છે. મંદિરની મુલાકાત લેનારા લોકોને મંત્રમુગ્ધ કરી દે તેવી નકશીકામ છે. આ મંદિરમાં નવ ગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિંદુ દેવી-દેવતાઓ, સમગ્ર દેવમંડળ, રામાયણ અને મહાભારતનાં પ્રેરકપ્રસંગો, પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર આકૃતિઓને કંડારવામાં આવી છે.

આ એક સલ્તનતકાલીન ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર છે. તેના તલમાનમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ અને ત્રણ શૃંગાર ચોકીઓ આવેલાં છે. સમગ્ર મંદિર સુંદર શિલ્પો વડે વિભૂષિત છે. મંડોવર, પીઠ અને મંડપ તથા શૃંગાર ચોકીઓની વેદિકા પર નવગ્રહો, દિકપાલ અને દેવદેવીઓની મૂર્તિઓ તથા કૃષ્ણ અને પાંડવોના કેટલાક જીવનપ્રસંગો કોતરેલાં છે.

આ કોતરણીઓમાં મત્સ્યાવતાર વિષ્ણુનું શિલ્પ ઉલ્લેખનીય છે. માથાથી જાંઘ સુધીનો ભાગ મનુષ્યાકાર અને તેથી નીચેનો ભાગ મત્સ્યાકાર છે. ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં ચક્ર છે. જ્યારે નીચેનો જમણો હાથ શંખયુક્ત વરદ મુદ્રામાં અને ડાબો હાથ પદ્મયુક્ત વરદ મુદ્રામાં છે. શંખયુક્ત હાથ વડે વિષ્ણુએ નીચે હાથ જોડીને બેઠેલા ભક્તને સ્પર્શ કર્યો છે.

સભામંડપ અને શૃંગાર-ચોકીઓ ઘુમ્મટ વડે ઢાંકેલાં છે. ગર્ભગૃહની ઉપરનું શિખર દરેક બાજુએ ત્રણ ત્રણ ઉરુશુંગો ધરાવે છે. મંદિરના પરિસરમાં અનેક નાનીમોટી દેરીઓ આવેલી છે. આ મંદિરનો અનેકવાર જીર્ણોદ્ધાર થયેલો છે. સમયની દૃષ્ટિએ એ 15મી સદી પછીનું નથી. મોટેભાગે ગામનું મુખ્ય મંદિર ગામની અંદર આવેલું હોય; પરંતુ આ મંદિર ગામની બહાર આવેલું છે. એ રીતે મંદિરની સ્થળ(location)ની દૃષ્ટિએ વિશેષતા છે.

કેવી રીતે પહોંચવું?
ગુજરાતના દરેક શહેરથી વડનગર જવા માટે ખાનગી બસ કે સરકારી બસની સુવિધા છે અને રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી વડનગર જઈ શકાય છે. વડનગરથી હાટકેશ્વર મહાદેવ મંદિરે જવા માટે ટેક્સી કે રિક્ષાની સુવિધા સરળતાથી મળી રહે છે.