ઉત્તરાયણે આદિવાસીઓનું અનોખું પર્વ, દેવચકલી ઉડાડીને નક્કી કરે છે આગામી વર્ષ
ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત તેમજ ભારત વર્ષમાં ઉતરાયણ એટલે દોરી પતંગ અને ડીજેના તાલથી આનંદ અને ઉલ્લાસનો સંગમ. જો કે, આજે પણ આદિવાસી સમાજ માટે ઉત્તરાયણનો દિવસે એટલે આગામી વર્ષનો વર્તારો જોવાનો દિવસ. આજના દિવસે દેવચકલીને ઘી-ગોળ તેમજ તલ ખવડાવી તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે જોવામાં આવે છે. ઉતરાયણના દિવસથી આગામી ઉત્તરાયણ સુધીનું વર્ષ કેવું રહેશે તે આજના દિવસે આદિવાસી સમાજ નક્કી કરતો હોય છે.
સાબરકાંઠાના ઈડરના આદિવાસી સમાજ દ્વારા ઉતરાયણ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. તેમજ સવારે ગામના યુવાનો એકઠા થાય છે.તેઓ દેવચકલી નામના પક્ષીને પકડીને તેને ઘી-ગોળ તેમજ તલ ખવડાવે છે. ત્યારબાદ તેને આકાશમાં મુક્ત કરે છે. આ સાથે સમગ્ર સમાજના લોકો દેવચકલી ઉડે છે. તેની પાછળ ચાલે છે. તેમજ દેવચકલી કયા ઝાડ ઉપર બેસે છે, તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. જો કે, આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. તેમજ આજની તારીખે પણ યથાવત રહી છે.
આજના કળિયુગમાં પણ વડવાઓથી ચાલી આવતી પરંપરા મુજબ આદિવાસી સમુદાય મકરસંક્રાંતિ પર્વના દિવસે દેવીનો પર્વ મનાવે છે. મહત્વની બાબત એ છે કે, નાના બાળકોથી લઈને મોટા વડીલો તેમજ મહિલાઓ પણ આ પર્વમાં ભાગીદાર બનતી હોય છે. દેવી તરીકે ઓળખાતી દેવચકલીને પકડીને તેને પૂજા અર્ચન બાદ આકાશમાં ઉડાડવામાં આવે છે. આજના કળિયુગમાં પણ વડવાઓની પરંપરા યથાવત જોઈએ છે. આસપાસના એટલે સમાજના લોકો પણ આશ્ચર્યમાં મુકાતા હોય છે.
સામાન્ય રીતે વર્ષોની ચાલી આવતી પરંપરા આજે પણ ટકી રહી છે. દેવચકલીને ઘી-ગોળ ખવડાવી આકાશમાં મુક્ત કર્યા બાદ તે જો લીલા વૃક્ષ ઉપર બેસે તો આગામી વર્ષ સારું રહે છે. આ સાથે ભારે વરસાદ સહિત દરેક વ્યક્તિ માટે ઉર્ઘ્વગામી બની રહે છે. જો દેવચકલી સૂકા વૃક્ષ ઉપર બેસે તો આગામી વર્ષ દુષ્કાળનું વર્ષ ગણવામાં આવે છે. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ ઓછો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. આ રીતે દેવચકલી થકી સમગ્ર વર્ષનો વર્તારો નક્કી કરવાનો પર્વ ઉત્તરાયણ બને. મોટાભાગના શહેરોમાં લાખો કરોડો રૂપિયાના દોરી પતંગ અને વિવિધ વાજિંત્રોથી ઉત્તરાયણ નિમિત્તે આનંદ અને ઉલ્લાસનો તહેવાર બની રહે છે. જ્યારે આદિવાસી સમાજ આ દિવસને આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવા માટેનો પાયારૂપ દિવસ માને છે.
પરંપરાગત જ્ઞાન આગામી સમયમાં ટકી રહે તે પણ મહત્વનું બની રહે છે. તેમજ અંતરિયાળ વિસ્તારમાં નાનાથી લઈ વડીલો તેમજ મહિલાઓ ઉલ્લાસ સાથે દેવીને પકડી તેની પૂજા અર્ચન કરતા હોય છે. ત્યારબાદ દેવીને ઉડાડી દિવસ દરમિયાન વડવાઓથી ચાલી આવતી પરંપરા મુજબ તોથા સહિતનો પ્રસાદ તૈયાર કરતા હોય છે અને ગ્રામજનો સાથે મળી દેવીનો પ્રસાદ લઈ અનોખી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે.