January 22, 2025

પીલીભીતમાં ગમખ્વાર અકસ્માત; 6 લોકોનાં મોત, 4 ઘાયલ

લખનૌઃ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.ન્યુરિયા પોલીસ સ્ટેશન નજીક પીલીભીત-તનકપુર હાઈવે પર એક ઝાડ સાથે અથડાયા બાદ ઝડપભેર ચાલતી કાર કાબૂ બહાર ગઈ હતી અને ખાડામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત રાત્રે લગભગ 12 વાગે થયો હતો.

મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના ખાટીમાના રહેવાસી લોકો પીલીભીતમાં લગ્નની જાન લઈને આવ્યા હતા. આ લોકો મોડી રાત્રે અર્ટિગા કારમાં પરત ફરી રહ્યા હતા. કારમાં 11 લોકો સવાર હતા. રાત્રે 12 વાગે તેમની કાર ન્યુરિયા પોલીસ સ્ટેશન પાસે પહોંચી. આ દરમિયાન કાર અચાનક બેકાબુ થઈ ગઈ હતી. કાર પહેલા એક ઝાડ સાથે અથડાઈ, પછી રસ્તાની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ન્યુરિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી. કારને ભારે નુકસાન થયું હતું. કાર કાપીને બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં છ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

પીલીભીતના એસપી અવિનાશ પાંડેએ જણાવ્યું કે કાર સવારો, ઉત્તરાખંડના ખાતિમાના રહેવાસીઓ અહીં એક લગ્નની જાનમાં આવ્યા હતા. કારમાં 11 લોકો સવાર હતા. પીલીભીતથી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર કાબૂ બહાર ગઈ હતી અને રોડ કિનારે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.