September 21, 2024

કાનપુરમાં મોટી રેલ દુર્ઘટના, સાબરમતી એક્સપ્રેસનાં 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં મોટી રેલ દુર્ઘટના ટળી છે. કાનપુર-ભરતપુર રેલવે સેક્શનમાં બનારસથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના બની ત્યારે ટ્રેન કાનપુરથી ઝાંસી જવા રવાના થઈ હતી. માહિતી મળતાં જ રેલ્વે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘટના બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ઇમર્જન્સી નંબરની સાથે રેલવે પ્રશાસને ટ્રેનોના રૂટ વિશે પણ માહિતી આપી છે.

ઘટના અંગે માહિતી આપતા રેલવેએ જણાવ્યું કે, ટ્રેન નંબર 19168 (બનારસથી અમદાવાદ જતી) સાબરમતી એક્સપ્રેસ ઝાંસી ડિવિઝનમાં કાનપુર-ભીમસેનના ગોવિંદપુરી સ્ટેશન નજીક સવારે 2.30 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલ્વેએ કહ્યું કે કોઈપણ પ્રકારના જાન-માલનું નુકસાન થયું નથી કે કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી. ત્યારે ઘટના પછી ડ્રાઇવરે કહ્યું કે, અચાનક એક મોટો પથ્થર એન્જિન સાથે અથડાયો, જેના કારણે એન્જિનનું કેટલ ગાર્ડ (આગળનો ભાગ) ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

રેલવે પ્રશાસને મુસાફરોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરી છે. મુસાફરોને બસ દ્વારા કાનપુર મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓ કંટ્રોલ ઓફિસમાંથી ઘટનાની વિગતો મેળવી રહ્યા છે. રાહત ટ્રેન અકસ્માત સ્થળે પહોંચવાની તૈયારીમાં છે.

રેલ્વે દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબરો

  • પ્રયાગરાજ – 0532-2408128, 0532-2407353
  • કાનપુર – 0512-2323018, 0512-2323015
  • મિર્ઝાપુર – 054422200097
  • ઈટાવા – 7525001249
  • ટુંડલા – 7392959702
  • અમદાવાદ – 07922113977
  • બનારસ શહેર – 8303994411
  • ગોરખપુર – 0551-2208088

અમુક ટ્રેનો રદ કરવામાં આવી છે અને અમુક ટ્રેનનાં રૂટ અકસ્માતને કારણે બદલવામાં આવ્યા છે.

રદ કરાયેલી ટ્રેનો

  • 01823/01824 (વી ઝાંસી-લખનૌ)
  • 11109 (વી ઝાંસી-લખનૌ જંકશન)
  • 01802/01801 (કાનપુર-માણિકપુર)
  • 01814/01813 (કાનપુર-વી ઝાંસી)
  • 01887/01888 (ગ્વાલિયર-ઇટાવા)
  • 01889/01890 (ગ્વાલિયર-ભીંડ)

જે ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે

  • 11110 (લખનૌ જંકશન-વી. ઝાંસી) JCO 16.08.24 બદલાયેલ રૂટ ગોવિંદપુરી-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી
  • 22537 (ગોરખપુર-લો. તિલક ટર્મિનલ) JCO 16.08.2024 ગોવિંદપુરી-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી
  • 20104 (ગોરખપુર-લો. તિલક ટર્મિનલ) JCO 16.08.24 કાનપુર-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-V ઝાંસી