ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક આખા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. પાલનપુરના કીર્તિ સ્તંભ વિસ્તારમાં જાહેર રોડ પર વરસાદી પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. સામાન્ય વરસાદમાં જ પાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખૂલી ગઈ છે. રોડમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા. રાહદારીઓને પણ વરસાદી પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
પાલનપુરના મલાણા પાટીયે વરસાદી પાણી ભરાયા છે. એક તરફ રોડની સાઈડમાં કામ ચાલુ છે, તો બીજી તરફ રોડ પર પાણી ભરાતા મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. મલાણા, ભટામલ, ભુતેડી, પખાણવા સહિતના ગામના લોકોને પસાર થવામાં હાલાકી પડી રહી છે. વરસાદના સમયે જ નેશનલ હાઈવે ઓથોરિટી કામ કરી રહી છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો સહિત લોકોને હાલાકી પડી રહી છે.
તો બીજી તરફ, મહેસાણામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના વિસનગર, ખેરાલુ, મહેસાણા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
ડીસા પંથકમાં પણ ધોધમાર વરસાદને પગલે અંધારપટ છવાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ થયા છે. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદથી ડીસાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વેલુનગરમાં પાણી ભરાતા અનેક વાહનચાલકો અટવાયા છે. પાણીમાં વાહનો બંધ થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો છે. વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જિલ્લાના પાટણ, સિદ્ધપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરુ થયો છે. વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
મહેસાણાના વિજાપુરમાં બે કલાકમાં છ ઇંચ કરતાં વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. વિજાપુર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે જ પાણી ભરાયા છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સરદાર પટેલ સ્ટેચ્યૂથી TB રોડ, વિસનગર રોડ, ખત્રીકૂવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયાં છે. પાણી ભરાતા વાહનચાલકો સહિત લોકોને હાલાકી પડી રહી છે.
વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તંત્રની બેદરકારીને કારણે તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું છે. ગટર લાઈન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઈનમાં થઈ ગયું છે. ત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગામમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
વિજાપુરમાં 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે સંરક્ષણ દિવાલ ધોવાઈ ગઈ છે. વસાઈ ગામમાં 6 માસ પૂર્વે બનેલી સંરક્ષણ દીવાલ ધોવાઈ ગઈ છે. વસાઈ ગામના તળાવ ફરતે 6 માસ પૂર્વે સંરક્ષણ દીવાલ બનાવી હતી. પાણીના આવરા વચ્ચે સંરક્ષણ દીવાલ ધોવાઈ ગઈ છે.
ગાંધીનગર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે દહેગામમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે.
રાજસ્થાનના સુન્ધા માતા પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પર્વતની સીડીઓ પરથી પાણીનું જોરદાર વહેણ જઈ રહ્યું છે. મંદિરના ચાચર ચોક સહિતની જગ્યાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વહેલી સવારે થયેલા ધોધમાર વરસાદને લઈને પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે. રાજસ્થાનમાં ધોધમાર વરસાદને લઇ બનાસકાંઠાની સરહદીય વિસ્તારની નદીઓ જીવંત થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.
સુન્ધા માતાના પર્વત પર ભારે વરસાદ
રાજસ્થાનના સુન્ધા માતા પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે પર્વત પર વરસાદને કારણે ચાર લોકો ફસાયાની માહિતી સામે આવી છે. પાણીના પ્રવાહ વચ્ચે એક વૃદ્વ મૃતહેદ મળી આવ્યો છે. એક યુવકને બચાવી લેવાયો છે તો બે યુવકોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. હાલ સુન્ધા માતાજીના મંદિરે જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ જાલોર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતક ગુજરાતની મહિલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પાવાગઢમાં આહ્લાદક દૃશ્યો સર્જાયા
પંચમહાલના પાવાગઢમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાવાગઢમાં આહ્લાદક દૃશ્યો સર્જાયા છે. વડાતલાવમાં ભારે પાણીની આવક થઈ છે. પાવાગઢ પર પાણી વરસતા દાદર પર સુંદર દૃશ્યો જોવા મળ્યા છે. ડુંગર પર વાદળો ઘેરાઈ ગયા છે.
ડીસા-પાલનપુર હાઇવે પાણીમાં ગરકાવ
ડીસામાં ધોધમાર વરસાદ વરસતા હાઇવે પાણી પાણી થઈ ગયો છે. ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહીને લઈને વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.