January 16, 2025

ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનને લઈને દીકરાની સ્પષ્ટતા, કહ્યુ – હાલત નાજુક છે, પરંતુ જીવિત છે

અમદાવાદઃ પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને હૃદયની તકલીફ બાદ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં તેમના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા. જે એક અફવા હોવાનું બહાર આવ્યું છે. ઝાકિર હુસૈનના પુત્ર અમીર હુસૈને પણ @frm_heart હેન્ડલ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, તેના પિતાના નિધનના સમાચાર તદ્દન ખોટા છે. તે જીવિત છે અને તેની તબિયત પણ સારી છે.

ઉસ્તાદના પુત્રની અપીલ – માહિતી શેર કરતા પહેલા કૃપા કરીને ખાતરી કરો
આમિરે ઉસ્તાદના ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરી છે કે, તેઓ તેમના નિધનના ખોટા સમાચાર ન ફેલાવે. તેમણે કહ્યું કે, કોઈપણ માહિતી શેર કરતા પહેલા તેની પુષ્ટિ કરો. અમેરિકામાં રહેતા 73 વર્ષીય હુસૈનની મેનેજર નિર્મલા બચાનીના જણાવ્યા અનુસાર, તેમને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા છે. તેમને હૃદયની સમસ્યાને કારણે છેલ્લા બે અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બહેનનું નિવેદન – સ્થિતિ નાજુક પરંતુ સારવાર ચાલી રહી છે
પીટીઆઈના અહેવાલ મુજબ, હુસૈનની બહેન ખુર્શીદે પણ તેમના નિધનના સમાચારને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે તેમના ભાઈની હાલત ‘ખૂબ જ ગંભીર’ છે, પરંતુ હાલમાં તેની સારવાર ચાલી રહી છે. ખુર્શીદે કહ્યું, ‘મારો ભાઈ અત્યારે ખૂબ જ બીમાર છે. અમે ભારતમાં અને વિશ્વભરમાં તેના તમામ ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા કહીએ છીએ. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ખોટી માહિતી શેર કરવાથી બચવાની અપીલ કરતાં તેમણે કહ્યું, ‘મને ફેસબુક પર આવી માહિતી જોઈને ખૂબ જ ખરાબ લાગે છે. મૃત્યુની અફવા ન ફેલાવો. આ બહુ ખોટું છે.’