કમલા હેરિસની પ્રચાર ટીમનો દાવો – વિદેશી હેકર્સે હુમલો કર્યો
અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની પ્રચાર ટીમે દાવો કર્યો છે કે, તેમને વિદેશી હેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. કમલા હેરિસની પ્રચાર ટીમનો આ દાવો ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમના દાવા બાદ આવ્યો છે, જેમાં ટ્રમ્પ ટીમે કહ્યું હતું કે, ઈરાન તરફથી તેમના પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો.
કમલા હેરિસની ટીમે નિવેદન બહાર પાડ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કમલા હેરિસની કેમ્પેઈન ટીમે કહ્યું કે, જુલાઈમાં તેમના કેમ્પેનની લીગલ અને સિક્યુરિટી ટીમને FBI દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમના પર વિદેશથી સાઈબર એટેક કરવામાં આવ્યો છે. અમારી સાયબર સિક્યુરિટી સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને અમને કોઈ સાઈબર હુમલાથી કોઈ નુકસાનની જાણ નથી. જો કે, હેરિસની ઝુંબેશ ટીમે એ વાતનો ખુલાસો કર્યો નથી કે, આ સાયબર હુમલો કયા દેશમાંથી કરવામાં આવ્યો હતો અથવા તેની પાછળ કોનો હાથ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ પહેલા ગ્રેનેડ હુમલો, ત્રણ લોકોનાં મોત
અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી
અમેરિકી વિદેશ મંત્રાલયે સોમવારે પણ ઈરાનને ચેતવણી આપી હતી કે, જો તે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમે દાવો કર્યો હતો કે, તેમના પર સાયબર એટેક થયો હતો અને તેની પાછળ ઈરાનનો હાથ હતો.